વડોદરા :
રીઢા વાહનચોર પાસેથી મેળવેલી ચોરીના ટુ-વ્હીલર વાહનો સગેવગે કરવાના તેમજ 11 ગુનામાં ફરાર આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે અટલાદરા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો છે.
વડોદરા શહેરમાં બનતા વાહનચોરીના ગુનાઓ દિન પ્રતી દિન વધી રહ્યા છે. જેને લઈને પોલીસ કમિશનર દ્વારા વહેલીતકે કરી ચોરોને ઝડપી પાડવા માટેની સૂચના આપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી હતી. તે દરમિયાન મળેલી માહિતીના આધારે ગોલ્ડન ચોકડી પાસેથી શંકાસ્પદ શખ્સ સલમાન ઇશાક ઝુઝારા ( રહે.ગોધરા ઇદગાહ મહોલ્લો નદી પાર, ગોંદરા તા.ગોધરા જી.પંચમહાલ)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પ્રાથમિક પુછપરછ કરતા દરમ્યાન થોડા દીવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચે પકડેલા રીઢા ચોર સમીર જશુ ભાલાવતે વડોદરા શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી ટુ-વ્હીલર વાહનોની ઉઠાંતરી કરી હોય આ વાહનો સલમાન ઝુઝારાને આપ્યા હતા. સલમાન ઝુઝારા ચોરીના વાહનો ગોધરા ખાતે ભંગારનો ધંધો કરતા વ્યક્તીને આપી સગેવગે કર્યા હતા. ઉપરાંત વાહનચોરીના 11 ગુનાઓમાં આરોપી સલમાન ઝુઝારાની સંડોવણી હોવાનું જણાઇ આવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને વધુ તપાસ માટે અટલાદરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.