Vadodara

વડોદરા: ચા પીવા માટે ગયેલા બે યુવકને ચોર સમજી ટોળાએ માર મારતા એકનું મોત, મોબલિચિંગનો ગુનો નોંધાયો

પ્રતિનિધિ, વડોદરા તા 19
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં મોડી રાત્રિના સમયે ચા પીવા નીકળેલા બે લઘુમતી કોમના યુવકોને ચોર સમજીને ટોળાએ ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય સારવાર હેઠળ છે. સિટી પોલીસે મોબલીચિંગ ગુનો નોંધી ટોળા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચડ્ડી બનીયાનધારી ટોળકી ચોરી કરવાના ઇરાદે મોડી રાત્રિના સમયે હથિયારો સાથે ધસી આવતી હોવાનું લોકો જણાવી રહ્યા છે. જેના કારણે વિવિધ વિસ્તારમાં રહેતા લોકો પોતાના ઘર તથા મોહલ્લા સોસાયટીની રક્ષા કરવા માટે રાત્રિના સમયે ઉજાગરા કરવા માટે મજબૂર બન્યા હતા. તેમ છતાં ચોરી બંધ થવાનું નામ લેતી નથી. લોકો હથિયારો સાથે આવેલા ચોરોને જોતા હોવા છતાં પોલીસ તંત્ર માત્ર તેને અફવાઓ ગણાવીને હાથ અધ્ધર કરી રહી છે. ચોરો આવતા ન હોય તો ચોરીની ઘટના કેવી રીતે બની રહી છે તેઓ સવાલ લોકો કરી રહ્યા છે. પોલીસ તંત્રે તાજેતરમાં જ સ્થાનિક લોકો સાથે મિટિંગ કરીને રાત્રિના સમયે કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો કાયદો હાથમાં ન લઈ પોલીસને જાણ કરવા કહ્યું હતું. જો તમે તે વ્યક્તિને મારશો અને તે મરી જશે તો મોબલિચિંગનો ગુનો બની શકે છે એવી સૂચના પણ આપી હતી. ત્યારે 17 ઓક્ટોબરના રોજ મોડી રાત્રિના સમયે વારસિયા વિસ્તારમાં બે લઘુમતી કોમના યુવકો સેહબાજ અને વિક્રમ ઉર્ફે અલી ચા પીવા માટે બાઈક લઈને ગયા હતા. પરંતુ તેમની બાઈક સંજોગોવસાત ત્યાં બંધ પડી જતા સ્થાનિક લોકોના ટોળાએ તેમને ચોર સમજીને બંનેને ઢોર માર માર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ટોળાને વિખેર્યા બાદ ઘાયલ થયેલા બંને યુવકોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં સેહબાજનું ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય યુવકને ઈજા પહોંચી હોય હાલ સારવાર હેઠળ છે. પોલીસે મોબલીચીંગનો ગુનો નોંધીને ટોળા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top