ન્યાયમંદિરથી પાણીગેટ દરવાજા સુધી નોનવેજ સમોસા વેચતી દુકાનોમાં ચેકીંગ :
રોમટીરીયલ કબ્જે કરી નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા : સ્થળ પર જથ્થાનો નાશ
( પ્રતિનિધિ ) વડોદરા તા.9
વડોદરાના છીપવાડ વિસ્તારમાંથી ગૌ માસમાંથી બનાવેલા સમોસા ઝડપાયા બાદ પાલિકા નું આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર એક્શન માં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ શહેરના ન્યાયમંદિર વિસ્તારમાં આવેલી ફેમસ સમોસા કોર્નરની દુકાનમાં પાલિકાની ખોરાક શાખા અને એસઓજી પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચેકીંગ કરવામાં આવ્યું હતું. દુકાનમાંથી નમૂના એકત્ર કરવા સાથે કેટલાક જથ્થાનો નાશ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે પાણીગેટ દરવાજા વિસ્તારમાં પણ ઝમઝમ ફ્રાય સેન્ટર અને દિલખુશ ચિકન બીરયાની સેન્ટર પર ચેકીંગ કરી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
વડોદરા શહેરમાં છીપવાડ વિસ્તારમાંથી ગૌમાંસના સમોસા વેચનાર પિતા પુત્ર ઝડપાયા હતા. પોલીસે આ ગુનામાં છ ની ધરપકડ કરી હતી. પોલીસે 326 કિલો ગૌ માંસ કબજે કરી તેનો નાશ કર્યો હતો. ગૌમાંસના સમોસા ઝડપાયા બાદ વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા અને પોલીસ એક્શનમાં આવી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મટનના સમોસા વેચતા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. જે કાર્યવાહી આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળી હતી.
ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે, સાથે સાથે મહારાષ્ટ્રીયન સમાજનું નવો વર્ષ તો હવે મુસ્લિમ સમાજના ઈદની પણ ઉજવણી કરવામાં આવશે. તે પૂર્વે પાલિકાની ખોરાક શાખા દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ખાણી પીણીની લારીઓ દુકાનો, હોટેલ ,પાર્લર સહિત અનાજ કરિયાણા બજારોમાં પણ ચેકીંગ કરી નમૂના લેવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ પાલિકાની ખોરાક શાખાના અધિકારીઓ અને એસઓજી પોલીસ દ્વારા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં ખજૂરી મસ્જિદ નીચે 80 વર્ષ જૂની ફેમસ સમોસા કોર્નરની દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં રોમટીરીયલ કબ્જે કરવા સાથે ચેકીંગ કરી કેટલાક શંકાસ્પદ જથ્થાનો નાશ કરી નમૂના એકત્ર કરી પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ સ્વચ્છતા અંગે દુકાન ધારકને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગૌમાંસ ઝડપાયા બાદ પાલિકાની ખોરાક શાખા અને પોલીસ દ્વારા શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં ચેકીંગની કાર્યવાહી યથાવત રહેવા પામી છે. ત્યારે આજરોજ ન્યાયમંદિરથી પાણીગેટ દરવાજા સુધી નોંનવેજની લારીઓ અને દુકાનોમાં ચેકીંગ કરી સ્થળ પર જથ્થાનો નાશ કરવા સાથે કાર્યવાહી હાથધરવામાં આવી હતી.