એસએમસી દ્વારા ડ્રાઇવર ક્લીનરની ધરપકડ, દારૂ મોકલનાર સહિત ત્રણ વોન્ટેડ
પ્રતિનિધિ વડોદરા તારીખ 16
સ્ટેટ મોનિટરિંગ સેલે ફરી વડોદરા ગ્રામ્યમાં સપાટો બોલાવ્યો છે. ગોવાથી 78.09 લાખના વિદેશી દારુ ભરીને આવેલા ટ્રકને એસએમસીની ટીમે હાલોલ વડોદરા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપના પાર્કિંગમાંથી ટ્રક ઝડપી પાડ્યો હતો. દારૂ ભરીને લાવનાર ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી મોકલનાર સહિત ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. દારૂનો જથ્થો, ટ્રક, બે મોબાઈલ અને રોકડ મળી રુ.1.08 કરોડનો મુદ્દામાલ કબજે કરીને જરૂર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો છે.
મોનિટરિંગ સેલ વડોદરા શહેર અને જિલ્લામાં વારંવાર દારૂ અને જુગાર પર રેડ કરી સપાટો બોલાવતી હોય છે ત્યારે 15 જૂન ના રોજ રાત્રિના સમયે હાલોલ વડોદરા રોડ પર હોટલ બે વેઇટ શિવાંશ પાસેના પેટ્રોલ પંપ ના પાર્કિંગમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ટ્રક ઉભેલો છે તેવી બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી. જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ એસ આર શર્મા સહિતની ટીમે હાલોલ વડોદરા રોડ પર ના પેટ્રોલ પંપ પર રેડ કરી હતી. દરમિયાન પાર્કિંગમાંથી એક ટ્રક ઝડપાયો હતો. જેમાં તપાસ કરતા બે શખ્સો બેઠેલા હતા. જેથી તેમને નીચે ઉતારી ટ્રકમાં પાછળ તપાસ કરતા રુ.78.09 લાખ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એસએમસીની ટીમે ચાલક નેપાલસિંહ મહોબતસિંહ સિસોદિયા અને ભોપાલસિંહ ઉર્ફે ભુપેન્દ્રસિંહ જ્ઞાનસિંહ ચૌહાણ (બંને રહે.રાજસ્થાન) ને ઝડપી પાડ્યા હતા. જ્યારે વિક્રમ રૂપે જય શ્રી રામ સહિત ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. એસએમસીએ વિદેશી દારૂનો જથ્થો રુ.78.09 લાખ, ટ્રક રુ. 30 લાખ, બે મોબાઈલ રૂપિયા 10 હજાર અને રોકડા 14 હજાર મળી રુ. 1.08 કરોડોનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે જરૂર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે.