Vadodara

વડોદરા : ગોરવા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની કેદ

સગીરાને વળતર પેટે રૂ.6 લાખ ચૂકવવા પણ કોર્ટે હુકમ કર્યો

શહેરના ગોરવા વિસ્તારમાં વર્ષ 2022માં સગીરાનું અપહરણ કર્યા બાદ તેને ઇંટોના ભઠ્ઠામાં લઈ જઈને તેના પર બળાત્કાર ગુજારનાર આરોપીને કોર્ટે તકસીરવાન ઠેરવીને 20 વર્ષની સજા ફટકારી છે. ઉપરાંત પિડીતા સગીરાને 6 લાખ વળતર પેટે ચૂકવવા પણ હુકમ કર્યો છે.
ગોરવા વિસ્તારમાંથી 13 એપ્રિલ 2022 ના રોજ રાત્રે શ્રમિક પરિવાર ઊંઘી ગયો હતો અને વહેલી સવારે પરિવારના સભ્યો જાગ્યા હતા. ત્યારે તેમની તેર વર્ષની દિકરી ઘરમાં હાજર મળી ન હતી. જેથી આસપાસના વિસ્તારમાં પરિવારજનોએ તપાસ કરી હતી પરંતુ દીકરીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી તેઓએ તેમના ઘરથી થોડે દૂર રહેતા સુરપાલ ઉર્ફે અપ્પુ પણ તેના ઘરે ન હતો. પરિવારે તપાસ કરતા સુરપાલ ઉર્ફે અપ્પુ અપહરણ કરી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યુ હતું. જેથી સગીરાના પરિવારજનોએ તેનું અપહરણ કરનાર સુરપાલ ઉર્ફે અપ્પુ રાકેશભાઈ કોળી પટેલની સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયા નોધાવી હતી. સુરપાલે સગીરાનું લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કર્યા બાદ ધરમપુરી ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠામાં લઈ ગયો હતો અને સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. ગોરવા પોલીસે સુરપાલ ઉર્ફે અપ્પુની ધરપકડ કરી તેની સામે વડોદરાના સ્પેશિયલ પોક્સો જજની કોર્ટમાં ચાર્જશીટ મૂકી હતી. કેસ ચાલી જતાં વકીલની દલીલોને માન્ય રાખીને કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવીને બળાત્કાર મામલે વીસ વર્ષની સખત કેદની સજા તથા 10 હજારનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે ભોગ બનનાર સગીરાના લગ્ન થયા નથી અને ધોરણ સાતમાં અભ્યાસ કરતી હોય સંજોગોમાં ગુજરાત વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ 2019ની જોગવાઇ હેઠળ સગીરાને વળતર પેટે રૂ.6 લાખ ચુકવવાનો હુકમ કર્યો છે.

Most Popular

To Top