હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું
( પ્રતિનિધિ )વડોદરા,તા.19
વડોદરાના ગોત્રી હરિનગર બ્રિજ પાસે પાણીની લાઈનનો વાલ્વ લીકેજ થતા રસ્તા પર પાણીની રેલમછેલ થઈ હતી. હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો હતો.

વડોદરામાં ભર ઉનાળે પાણીનો વેડફાટ થવા પામ્યો છે. ક્યાંક પાણીની લાઈન લીકેજ થવી તો ક્યાંક વિકાસના નામે ચાલતી કામગીરી દરમિયાન લાઈનો તૂટવી, જેના કારણે પીવાનું ચોખ્ખું પાણી વેડફાઈ રહ્યું છે. શહેરના કેટલાક વિસ્તારોમાં આજેપણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. લોકોને પીવાનું ચોખ્ખુ અને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. કમર તોડ વેરો ભરતા નાગરિકોને પાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. ત્યારે, લોકોને હાલાકી વેઠવા મજબુર થવું પડી રહ્યું છે. ત્યારે, શહેરના ગોત્રી હરિનગર બ્રિજ પાસે પાણીનો વાલ્વ લીકેજ થતા માર્ગ પર પીવાનું ચોખ્ખું પાણી વેડફાઈ ગયું હતું. લોકોનું કહેવું છે કે છેલ્લા ચાર પાંચ દિવસથી પાણી વિતરણ ના સમયે આ વાલ્વ લીકેજ હોવાથી પીવાનું ચોખ્ખું પાણી રોડ પર વહી રહ્યું છે.માર્ગ પર પાણી ફરી વળતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ઘણા ચાલકો સ્લીપ ખાઈ રહ્યા છે.ત્યારે , સત્વરે અહીં રીપેરીંગની કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
