મુંબઇ સાઇબર ક્રાઇમમાંથી બોલતા હોવાની ઓળખ આપી મહિલા સાથે ઠગાઇ, રૂ.25 લાખ ખાતામાં આવ્યા છે, જે ફ્રોડના હોય તમારી ધરપકડ કરાશે તેમ કહી મહિલાને ધમકાવ્યાં
પ્રતિનિધિ વડોદરા તા.16
ગોત્રી વિસ્તારમાં રહેતા આધેડ મહિલાને તમારા ખાતામાં ફ્રોડના રૂ.25 લાખ આવ્યા છે તેમ કહી મુંબઇ સાઇબર ક્રાઇમ પોલીસની ઓળખ આપીને વીડિયો કોલ દ્વારા ડિજિટલ એરેસ્ટ કરાઇ હતી. ત્યારબાદ જો તમે તપાસમાં સહકાર નહી આપો તો તમારી ધરપકડ કરાશે એમ કહેતા મહિલા ડરી ગયા હતા. જ્યા સુધી તપાસ ચાલે ત્યા સુધી તમારા બેન્ક તથા ફિક્સ ડિપોઝિટના રૂપિયા સરકારના સુપરવિઝનમાં રહેશે તેમ જણાવી રૂ. 61 લાખ તેમના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. મહિલાને પોતાની સાથે ઠગાઇ થઇ હોવાની જાણ થતા તેમણે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રાધેશ્યામ હાર્મનીમાં રહેતા શીતલ શોન ડોનેટે (ઉં.વ.58)ને ગત 9 ઓગષ્ટના રોજ અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે મુંબઇ પોલીસ સ્ટેશનમાંથી પાટીલ બોલે છે અને તેમના એકાઉન્ટમાં ગત મહિને ફ્રોડના રૂ. 25 લાખ આવ્યા હતા. જેથી તેમનો ફોન સાઇબર ક્રાઇમના હેડને ટ્રાન્સફર કરે છે. બાદમાં મુંબઇ સાઇબર ક્રાઇમના નામે અજયકુમાર બંસલે શીતલ ડિનોટ સાથે વાત કરી કહ્યું હતું કે તમારા ખાતામાં જે રૂ. 25 લાખ ફ્રોડના જમા થયા છે. તેના માટે ઇન્વેસ્ટીગેશનમાં સાથ આપવાનો રહેશે. અજયકુમારના નામવાળુ મુંબઇ પોલીસનું આઇડીકાર્ડ મોકલ્યું હતું. તેમના બેન્ક ખાતા તથા ફિક્સ ડિપોઝિટની મીહિતી અજયકુમારે વીડિયો કોલ કરીને માગી હતી. જો વીડિયો કોલ બંધ કરશો તો તેઓના માણસો આવીને તમારી ધરપકડ કરી લેશે તેમ કહી ધમકાવતા મહિલા ડરી ગયા હતા અને તેમના કહ્યા પ્રમાણે કર્યું હતું. બાદમાં ડીસીપી મિલિંદના નામે ઠગે વાત કરી હતી કે તમને સફેદ રંગના કપડા પહેરેલા વ્યક્તિનો ફોટો મોકલ્યો છે, તેણે ઘણા લોકો સાથે ફ્રોડ કર્યો છે. જેમાં તમારુ નામ છે અને મહારાષ્ટ્ર સરકાર મની લોન્ડરિંગનો મહિલાના નામનો લેટર મોકલ્યો હતો. ઉપરાંત જ્યા સુધી તપાસ ચાલે ત્યાં સુધી ડીસીપીના નામે ઠગે કહ્યું કે તમારા બેન્ક ખાતામાં જે રૂપિયા છે તેને સિક્યુરિટી પેટે સરકારના સુપરવિઝનમાં રાખવામાં આવશે. ડરી ગયેલા શિતલ ડોનેટે તેમના કહ્યા મુજબ રૂ. 61 લાખ અલગ અલગ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. તેમની સાથે ઠગાઇ થઇ હોવાનો અહેસાસ થતા મહિલાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 61 લાખ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.
