સયાજી હોસ્પિટલનું તંત્ર રામ ભરોસે
સુપ્રિટેન્ડન્ટ ઓફિસ બહાર પણ ફાયર એક્સ્ટિંગવિશર એક્સપાયરી ડેટ જોવા મળી
વડોદરા ,તા. ૬
સયાજી હોસ્પિટલમાં આમ તો એક તરફ નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ જે પ્રાથમિક સુવિધા છે તેની પણ જાણવણી યોગ્ય રીતે કરવામાં ન આવતી હોવાના અનેક ઉદાહરણ ભૂતકાળમાં જોવા મળી આવ્યા છે પરંતુ તે ઉદાહરણ થકી પણ તંત્ર સુધરવાનું નામ નથી લઇ રહ્યું ત્યારે હાલ ગરમીનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે ત્યારે સયાજી હોસ્પીટલમાં ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેટ વાળા જોવા મળ્યા હતા. માત્ર હોસ્પિટલના વિવિધ વિભાગના જ નહી પરંતુ સુપ્રિટેન્ડન્ટ ઓફિસ બહાર પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે આગ જેવી કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ બનશે તે મોટો પ્રશ્ન જોવા મળ્યો હતો.
મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં શહેર જિલ્લા અને રાજ્ય બહારથી પણ જરૂરિયાત મંદ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. હાલમાં જ સયાજી હોસ્પિટલમાં દર્દીઓના સુખાર્થે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી જેના કારણે હોસ્પિટલમાં વિવિધ સુવિધા ઉભી કરવામાં આવી હતી. જોકે હાલ સયાજી હોસ્પિટલનું વહીવટી તંત્ર ભર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલ ભર ઉનાળા જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે પ્રતિદિન બે જેટલા આગના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે સયાજી હોસ્પિટલનો મહત્વનો કહેવાતો વિભાગ તાત્કાલિક સારવાર કેન્દ્રની અંદર ફાયર એક્સટિંગવિશર ડેટ વાળા જોવા મળ્યા છે. આ સાથે સુપ્રિટેન્ડન્ટ ઓફિસ બહાર પણ લાગેલા ફાયર સાધનની એક્સપાયરી ડેટ પણ પૂર્ણ થઇ ગઈ છે. છતાં તેને હટાવવામાં આવ્યા નથી. જો કોઈ આગજનીનો બનાવ બનશે તો જવાબદાર કોણ ? અને તંત્રની આંખ ક્યારે ખુલશે? તેવા અનેક સવાલો લોકમાનસમાં જોવા મળ્યા હતા.