સાસરીપક્ષ વિરુદ્ધ કોર્ટમાં ચાલતો 50 કરોડના દાવાનો ચુકાદો આવ્યાં બાદ ડબલ રૂપિયા પરત આપવાનું કહી નાણા પડાવ્યાં હતા, ઠગાઈના ગુનામાં 11 મહિનાથી ફરાર મહિલાને ક્રાઈમ ક્રાઈમ બ્રાન્ચે દબોચી વારસિયા પોલીસને સોંપી
વડોદરા તારીખ 4
મહિલાએ પોતાનો પતિ હયાત હોવા છતાં વિધવા તરીકેની ખોટી ઓળખ આપવા સાથે સાસરી પક્ષ વિરૂધ્ધ કોર્ટમાં 50 કરોડનો દાવો માંડ્યો હોવાનો કેસ ચાલે છે. જેનો ચુકાદો મહિલાના તરફેણમાં આવશે તો મહિલા વેપારીને ડબલ રૂપીયા પરત કરશે તેવુ કહીને વેપારીને જાળમાં ફસાવ્યા હતા અને તેમની પાસેથી રૂ. 75.60 લાખની રકમ પડાવી લીધી હતી. થોડા સમય બાદ વેપારીએ મહિલા પાસે રૂપિયાની માંગણી કરી હતી પરંતુ મહિલાએ પરત નહી આપતા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.. આ ઠગાઇના ગુનામાં 11 મહિનાથી નાસતી ફરતી મહિલાને ક્રાઈમ બ્રાન્ચે નેશનલ હાઈવે 8 પર કપુરાઈ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી હતી. આગળની કાર્યવાહી માટે મહિલા આરોપીને વારસિયા પોલીસને સોંપાતા આજે તેને કોર્ટમાં રજૂ કરાશે.
ડભોઇ રોડ પર રતનપુર ખાતે આવેલી ગોકુલેશ સોસાયટીમાં રહેતી બીના દિપકભાઇ સોનીએ પોતાનો પતિ હયાત હોવા છતાં 1 જુલાઈ 2022 થી 24 એપ્રિલ 2024ના સમયગાળા દરમ્યાન પોતે વિધવા છે અને તેવી ખોટી ઓળખ ઊભી કરી હતી. ત્યારબાદ તેનો સાસરી પક્ષ વિરુદ્ધ કોર્ટમાં મિલકતનો 50 કરોડ જેટલી રકમનો દાવો પણ ચાલુ છે. પરંતુ તેમની પાસે વકીલને આપવાના તથા ઇન્કમટેક્ષ સહિતની રકમ ભરવાના નાણા નથી. તેવું ખોડિયારનગર વિસ્તારમાં કરિયાણાની દુકાનના વેપારી કમલેશ બાબુભાઇ ગુપ્તા (રહે. સયાજીપુરા )ને જણાવ્યુ હતું. જો કોર્ટનો ચુકાદો તેના પક્ષમાં આવી જશે ત્યારે કોર્ટમાંથી મુદ્દામાલ મેળવીને વેપારીને તેમના આપેલા રૂપિયા ડબલ રૂપિયા પરત આપી દેશે તેવું કહ્યું હતું. જેથી વેપારીને મહિલા પર વિશ્વાસ આવી જતા મહિલાના સાગરીત પ્રવિણ સુરેશ ઠક્કર અને પ્રવિણ પંચાલ સહિતના લોકો મીટિંગ કર્યા બાદ રૂ.75.60 લાખની રકમ મહિલા તથા તેના સાગરીતોને આપી હતી. ત્યારબાદ મહિલા તથા તેના સાગરીતો પ્રવિણ તથા સુરેશ પાસેથી વારંવાર નાણા પરત આપવા માટે માંગણી કરી હતી. પરંતુ તેઓ આપતા ન હતા અને પોતાના ફોન પણ બંધ કરી દીધી હતા. જેથી વેપારીએ તેમની સાથે રૂ. 75.60 લાખની છેતરપીંડી થઇ હોવાની ફરિયાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. છેલ્લા અગીયાર મહિનાથી મહિલા ઠગાઇના ગુનામાં નાસતી ફરતી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ મહિલાની ટેકનીકલ અને હ્યુમન સોર્સના આધારે શોધખોળ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે ઠગાઈના ગુનામાં ફરાર મહિલા બીના દિપક સોની કપુરાઇ ચાર રસ્તા નેશનલ હાઇવે-8 ખાતે આવી છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમને 4 એપ્રિલના રોજ બાતમી મુજબના સ્થળ પર જઈને બીના સોનીને ઝડપી પાડી હતી. ક્રાઈમ બ્રાન્ચે તેની પૂછપરછ કર્યા બાદ આગળની કાર્યવાહી માટે વારસીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવી છે. જેથી પોલીસ વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે.
