માંજલપુરમાં ક્ષત્રિયોએ કલ્પેશ પટેલ સામે મોરચો માંડવાનું નક્કી કરતા વિવાદસ્પદ નગરસેવકે ફેરવી તોળ્યું
વડોદરા: પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલી ટિપ્પણીનો એક તરફ ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે જ્યારે બીજી તરફ રૂપાલાના સમર્થનમાં વોર્ડ-18ના કલ્પેશ પટેલ (જય રણછોડે) સોશિયલ મિડિયા પોસ્ટ મૂક્યા બાદ વિરોધ થતાં માફી માંગી હતી.
ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે કરવામાં આવેલી એક ટિપ્પણી થી સમગ્ર ક્ષત્રિય સમાજમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો છે અને તેના કારણે ઠેરઠેર રૂપાલાના વિરોધમાં રોજબરોજના ક્ષત્રિય સમાજ, સંગઠનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા તથા તેમને વોટ નહીં આપવા સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ સાથે દબાણો કરવા છતાં એક તરફ ભાજપ સરકાર તટસ્થ રહી છે અને પુરષોતમ રૂપાલાના ઉમેદવારી અંગે તટસ્થતા બતાવી છે. બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજનો આક્રોશ શાંત થવાનું નામ નથી લેતો નથી અને હવે દિવસે ને દિવસે ક્ષત્રિય સમાજ રૂપાલા સામે આગામી ચૂંટણીમાં બહિષ્કાર કરવાનું મન બનાવી ચૂક્યો છે. ત્યારે શહેરના વારંવાર વિવાદોમાં રહેલા ઇલેક્શન વોર્ડ નં 18 માંજલપુર ના ભાજપના મ્યુનિ. કાઉન્સિલર કલ્પેશ પટેલ (જય રણછોડ) દ્વારા પોતાના સોશિયલ મિડિયામાં પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં એક પોસ્ટ મૂકી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ‘રૂપાલાએ માફી માંગી હોવા છતાં વધારે પડતો તમાશો કરી આડકતરી રીતે મોદી અને હિન્દુત્વનો વિરોધ કરતી એક ગેંગ ને ગુજરાતની જનતા ઓળખી લે’
આ પ્રકારની પોસ્ટ વાયરલ થતા વડોદરામાં ક્ષત્રિય સમાજ અને રાજપૂત કરણીસેના દ્વારા શહેરના માંજલપુર ખાતે એકત્રિત થઇ કાઉન્સિલર સામે મોરચો માંડવાનુ નક્કી કરતાં કાઉન્સિલર કલ્પેશ પટેલે નવી પોસ્ટ સોશિયલ મિડિયા મારફતે મૂકી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગી છે. છતાં હવે ક્ષત્રિય સમાજે વિવાદમાં રહેતા કાઉન્સિલર કલ્પેશ પટેલ સામે મોરચો ખોલવાનું અને સમગ્ર વડોદરાના ક્ષત્રિયોએ એક થઇ વિરોધ કરવાનું નક્કી કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇલેક્શન વોર્ડ નં.18 ના કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ વારંવાર કોઇને કોઇ મુદ્દે વિવાદોમાં ઘેરાતા હોય છે જાણે વિવાદ સાથે કાઉન્સિલર પર્યાય બની ગયા છે અને હવે ક્ષત્રિય સમાજની નારાજગી વહોરી લીધી છે જેના કારણે શહેર ભાજપના મોવડીઓ પણ કલ્પેશ પટેલના વિવાદથી પોતાને દૂર રાખી રહ્યાં છે.