ગેંડા સર્કલ પાસે ઓફિસ ધરાવનાર ઈઝી માય ઇમિગ્રેશનના સંચાલક વિરુદ્ધ નિઝામપુરાના યુવકે ફરિયાદ નોંધાવી
નિઝામપુરામાં રહેતા અને બેન્કમાં નોકરી કરતા યુવકને કેનેડાના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાનું કહીને વિઝા એજન્ટે રૂપિયા 6.83 લાખ પડાવી લીધા હતા. ઘણો સમય થઈ ગયો હોય યુવકને શંકા જતા કેનેડાનો જોબ ઓફર લેટર ચેક કરાવ્યો હતો. જેમાં આ ઓફર લેટર બનાવટી હોવાનું માલુમ પડતા યુવકે એજન્ટ પાસે રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ એજન્ટે માત્ર એક લાખ પરત આપી બાકીના 5.83 લાખ આજ દિવસ સુધી નહીં ચૂકવીને બેન્ક કર્મચારી સાથે ઠગાઈ કરી હતી. જેથી ગેંડા સર્કલ ખાતે ઓફિસ ધરાવનાર એજન્ટ વિરુદ્ધ બેન્ક કર્મચારીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા અવધ ફ્લેટમાં રહેતા પરેશ જગદીશભાઈ મિસ્ત્રી અલકાપુરી ખાતે આવેલી આઇડીએફસી ફર્સ્ટ બેંકમાં નોકરી કરે છે. યુવકે કેનેડા ખાતે વર્ક પરમીટ પર જવાનું હોય વિઝા કાઢી આપનાર એજન્ટની શોધમાં હતો. જેથી યુવકે તેના મિત્ર પ્રદીપ મેઘરાજને વિઝાની વાત કરતા તેણે પૂજા આહુજા અલગ અલગ દેશના વિઝા કરી આપવાનું કામ કરે છે તેમ જણાવ્યુ હતું. જેથી ઓક્ટોમ્બર-2023માં ગેંડા સર્કલ પાસે એટલાન્ટિક ટાવરમાં આવેલી ઇઝી માય ઇમિગ્રેશન નામની ઓફિસમાં જઈને પૂજા આહુજાને મળ્યો હતો અને કેનેડા ખાતેના વર્ક પરમીટ વિઝાની વાત કરતા પૂજા આહુજાએ બે વર્ષના વર્ક પરમીટ કરી આપશે અને તેનો ખર્ચ રૂ. 35 લાખ થશે તેમ જણાવ્યુ હતું. વર્ક પરમીટનુ કામ છ મહિનામાં થઈ જશે. જોબ ઓફર લેટર આવે ત્યારબાદ નાણા આપવાના રહેશે તેમ એજન્ટે કહ્યું હતું. જેથી યુવકને તેઓ પર વિશ્વાસ આવી ગયો હતો અને યુવકે કેનેડા ખાતેના વર્ક વિઝાની ફાઇલ તૈયાર કરવા માટે ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. થોડા સમય બાદ આ એજન્ટે યુવકને તેનું ઇન્ટરવ્યૂ લેવા માટે એક લિંક મોકલી હતી. જેથી યુવકે ઓનલાઇન ઇન્ટરવ્યુ આપ્યું હતું અને તે પાસ પણ થઈ જતા તેનું સિલેક્શન થયુ હતું. જેથી એજન્ટ પુજા આહુજાએ યુવકને જોબ ઓફર લેટર આપી રૂ.6.83 લાખ ભરપાઈ કરવા સાથે તમારા વર્ક વિઝા એપ્રીલ 2024માં આવી જશે તેમ જણાવ્યુ હતું. થોડા સમય ગયા બાદ આ એજન્ટે યુવકને કેનેડાનો એક જોબ ઓફર લેટર મોકલી આપ્યો હતો. જેથી એજન્ટ પર ભરોસો હોય યુવકે રૂપિયા રૂ. 6. 83 લાખ તેના બેન્ક ખાતામાં ઓનલાઇન પણ ટ્રાન્સફર કરી આપ્યા હતા. પરંતુ વર્ક પરમિટ વિઝા બનાવવા માટે ઘણો સમય થઈ ગયો હોય યુવકે પૂછપરછ કરતા એજન્ટ પાસેથી યોગ્ય રીતે જવાબ મળ્યો ન હતો. જેથી યુવકને શંકા જતા જાતે તપાસ કlકરી એજન્ટે કોઈ વિઝાની કોઈ પ્રોસેસ કરી ન હોવાનું માલુમ પડયુ હતું અને કેનેડાનો જોબ ઓફર લેટર પણ અન્ય પાસે ચેક કરાવતા બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી યુવકે એજન્ટ પાસે પોતાના ચૂકવેલા રૂ. 6.83 લાખ વારંવાર માંગણી કર્યા હતા. ત્યારે આ એજન્ટે માત્ર રૂ. 1 લાખ પરત આપ્યા હતા. જ્યારે રૂ.5.83 લાખ આજ દિન સુધી નહીં આપતા યુવકે એજન્ટ પૂજા આહુજા વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.