જીવના જોખમે કર્મચારીઓ કામ કરવા મજબુર :
ગરીબ અને મધ્યમ વર્ગને જર્જરિત ઈમારતો અંગે નિર્ભયતાની નોટિસ આપતું તંત્ર ચૂપ કેમ ? :
( પ્રતિનિધિ ) વડોદરા,તા.13
વડોદરા શહેરના દરરોજ હજારોની સંખ્યામાં ધમધમતા એવા કુબેર ભુવનના નવમા માળે મત્સ્ય ઉદ્યોગની ઓફિસમાંથી પોપડા ખરવા માંડ્યા છે તેમજ પાણી ટપકી રહ્યા છે. જેના કારણે કર્મચારીઓ અને હાજર અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. હાલ સમગ્ર મામલે ગરીબ અને મધ્યમ વર્ગને જર્જરીત ઇમારત મામલે નિર્ભયતાની નોટિસ પાઠવતું તંત્ર આ મામલે ચૂપ કેમ તેવા સવાલો પણ ઉઠ્યા છે.
વડોદરા શહેરના કુબેર ભુવનમાં વરસાદના પાણી ટપકી રહ્યા છે નવમા માળે આવેલી મત્સ્ય ઉદ્યોગની ઓફિસમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદના પાણી ટપકવાની સાથે સાથે છતમાંથી પોપડા કરીને નીચે પડી રહ્યા છે જેના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ ભયના ઓથા હેઠળ કામ કરવા મજબૂર બન્યા છે. સફાઈ કામ કરતા મહિલાએ જણાવ્યું હતું કે, કુબેરભુવનમાં પાણી છતમાંથી ટપકયાંજ કરે છે. ઉપરથી ગમે તેટલું કાઢીએ તો પણ ભરાઈ રહે છે. બપોરે કાઢું સવારે કાઢું પણ ઉપરથી બધું પાણી પડ્યા કરે છે. થોડા દિવસ પહેલા અમે વાળી રહ્યા હતા અને અચાનક છતનો પોપડો પડ્યો હતો. માંડ માંડ બચી ગયા. વરસાદમાં દર વખતે આવું જ હોય છે.
કામ કરતા કર્મચારી હિતેશ માળીએ જણાવ્યું હતું કે, પહેલા જ્યારે વરસાદ પડ્યો હતો તે વખતે પણ ગંભીર પરિસ્થિતિ થઈ હતી. પોપડા પડે છે. નવમા માળે ઓફીસ છે કુબેર ભુવનમાં મત્સ્ય ઉદ્યોગની તેમાં આ હાલત છે. અવાર નવાર પોપડા પડે છે. અહીંયા બેસીએ તો પણ ડર લાગે છે. વરસાદમાં પાણી પડે છે.
સામાજિક કાર્યકારે જણાવ્યું હતું કે કુબેર ભુવન એટલે દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવાર જવર થતી હોય છે. પરંતુ ખાસ કરીને હાલમાં જાત તપાસ કરતા જોવા મળ્યું છે કે, કુબેર ભુવનની અંદર જે ઉપરથી પાણી ટપકી રહ્યા છે. તેની સાથે સાથે પોપડા પણ પડી રહ્યા છે. કેટલા પીલ્લરોની અંદર તિરાડો પણ પડી છે. એટલે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગને જ્યારે નિર્ભયતાની નોટિસ પાઠવવામાં આવતી હોય અને તેમના લાઈટ પાણીના કનેક્શન કાપવામાં આવતા હોય તો વડોદરા કોર્પોરેશન સાથે સાથે ગુજરાત રાજ્ય સરકારે અધિકારીઓ અને કર્મચારીઓની ચિંતા રાખી અને આમને પણ નવીન કચેરીમાં સમાવેશ કરવો જોઈએ તેવી અમારી માંગણી છે.