બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન તેમજ ભીડભાડવાળા જગ્યા પર સતત ચેકિંગ, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : નરસિમ્હા કોમારે
જમ્મુ- કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકવાદી હુમલા ના પગલે વડોદરા શહેર પોલીસનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. જેને લઈ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ભીડભાડવાળી જગ્યા પર સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. ઉપરાંત શહેરના નાગરીકોને કોઇપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન નહિ આપવા માટે પોલીસ દ્વારા અપીલ કરાઈ છે તેમજ પોલીસ સુરક્ષા માટે પણ ખડેપગે તૈનાત કરી દેવાઈ છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરમાં બનેલા બનાવને લઇ શહેરની સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં આવી છે. વિવિધ ઝોન તથા ક્રાઈમ ટ્રાફિક સહિતના તમામ ડીસીપી, ડિવિઝનના એસીપી તેમજ પોલીસ સ્ટેશનના પીઆઇ અને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓને સુરક્ષાને બાબતે સૂચનાઓ આપી દેવામાં આવી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની સતત હાજર રહેવા માટેનું ફરમાન કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સહિતના ભીડભાડ વાળી જગ્યા ઉપર ચેકિંગ કરવામાં પણ કરાઈ રહ્યું છે. સમગ્ર શહેરમાં પોલીસને એલર્ટ કરવા સાથે કોઇ પણ પ્રકારની અનિચ્છિનિય ઘટના ન બને તેની સુરક્ષા માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અગાઉ એન્ટી નેશનલ પ્રવૃતિ સાથે જોડાયેલા હોય તેમજ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોય તેવા શખ્સોની તપાસ કરવામાં આવી રહી છે. આવા માહોલ વચ્ચે કોઈ તત્વો શહેરમાં સક્રિય ન બને અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સતત ધ્યાન રાખી રહી છે. ઉપરાંત પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ચાલતી પ્રવૃતિઓ પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમોની સતત બાજનજર છે. શહેરના નાગરીકોને પણ કોઇપણ અફવાઓ પર ધ્યાન નહિ આપવા માટે અપીલ કરીએ છીએ.ઉપરાંત પોલીસ દ્વારા વડોદરાની વિવિધ કોલેજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓનો ડેટા કલેક્ટ કરી ચકાસી રહી છે.