Vadodara

વડોદરા: કારમાંથી ધુમાડો નીકળે છે તેવું કહી ગઠીયો રૂ. 2.50 લાખ રોકડ ભરેલી થેલી લઈ ફરાર

મહીસાગર જિલ્લાના ખેડૂત ચેક બાઉન્સના કેસના સમાધાન માટે રૂપિયા લઈને સમા ખાતે આપવા જઈ રહ્યા હતા

પ્રતિનિધિ વડોદરા તા.17
મહીસાગર જિલ્લાના ખેડૂત સમા ખાતે સમાધાન પેટેના રૂપિયા આપવા જઈ રહ્યા હતા. દરમિયાન કપુરાઈ ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર ગઠીયાએ તમારી કારમાંથી ધુમાડો નીકળે છે તેમ કહ્યું હતું. જેથી ખેડૂત બોનેટ ખોલી તપાસ કરવા જતા ગઠીયાએ કારનો દરવાજો ખોલીને રૂપિયા અઢી લાખ ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયો હતો. ખેડૂતે આસપાસ તપાસ કરવા છતાં પણ ચોરનો કોઈ પતો નહીં લાગતા કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા માધવપુરા ગામે રહેતા ભરતભાઇ ગોકળભાઈ પટેલ વિરુદ્ધ વડોદરાના સમા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ રસીકભાઈ શાહે પૈસાની લેતીદેતી બાબતે લુણાવાડા કોર્ટમાં ચેક બાઉન્સની ફરીયાદ કરી હતી. જેથી કમલેશભાઈ શાહ સાથે સાથે સમાધાન કરવા માટે રૂપિયા 2.50 લાખ ચૂકવવા માટે ભરતભાઈ પટેલે પોતાના સોનાના દાગીના ગીરવે મૂકી તેના પર 2.59 લાખની ગોલ્ડ લોન લીધી હતી. આ રૂપિયામાંથી રુ.2.50 લાખ કમલેશભાઈ શાહને ચૂકવવા માટે તેઓ 14 જૂનના રોજ વડોદરા આવ્યા હતા. હાલોલ ખાતે તેમની બહેનનો પ્રસંગ પતાવીને પોતાના દીકરાના ઘરે રોકાયા હતા. ત્યારબાદ 15 જૂન ના રોજ તેઓ વાઘોડિયા રોડ પર રહેતા તેમના દીકરાના ઘરેથી થેલીમાં અઢી લાખ રૂપિયા લઈને સમા ખાતે રહેતા કમલેશ ભાઈ શાહને આપવા માટે જઈ રહ્યા હતા.દરમિયાન કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ ના સર્વિસ રોડ ઉપર પાર્ક કરીને દ્વારકેશ હોટલમાં જમવા ગયા હતા અને હોટલમાંથી જમીને પરત આવી પોતાની કાર ચાલુ કરી સમા જવા માટે નીકળ્યા હતા. દરમિયાન એક ગઠીયાએ તેમને તમારી કારમાંથી ધુમાડો નીકળે છે તેવું કહ્યું હતું. જેથી તેઓએ કારમાંથી નીચે ઉતરી બોનેટ ખોલી તપાસ કરતા કોઈ ધુમાડો કારમાંથી નીકળતો ન હોવાનું જણાયું હતું. દરમિયાન કોઈ ખોટી માહિતી આપનાર ગઠિયાએ કારમાં મૂકેલી રોકડા અઢી લાખ ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયો હતો. ખેડૂત પરત કારમાં આવતા તેમને રૂપિયા ભરેલી થેલી જોવા મળી ન હતી. જેથી તેઓએ આસપાસ તપાસ કરવા છતાં પણ રોકડ રકમની ચોરી કરનારનો કોઈ પતો લાગ્યો ન હતો. જેથી ખેડૂતે કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં ગઠીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top