ગૌરક્ષા સમિતિના કાર્યકરોએ પોલીસને સાથે રાખી કતલખાના પર દરોડો પાડ્યો
વડોદરા તારીખ 19
કરોડીયા વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગરમાં ગેરકાયદે ધમધમતા કતલખાના પર જવાહર નગર પોલીસને સાથે રાખી ગૌરક્ષા સમિતિના કાર્યકરોએ દરોડો કર્યો હતો. જેમાં સ્થળ ઉપરથી માંસનું કટીંગ કરી રહેલા શખ્સો સહિત આઠ લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પાંચ પશુઓ કબજે લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના કરોડીયા વિસ્તારમાં લક્ષ્મીનગર ખાતે રહેતા ગુલામ મુસ્તુફા ઉર્ફે ઇનાયત ઇબ્રાહીમભાઈ ખાટકી તેના ઘરની બાજુમાં આવેલી તેની પોતાની બંધ શેડવાળી જગ્યામાં પશુઓની ગેરકાયદે કતલખાનું ચલાવી પશુઓની કતલ કરે છે તેમજ બીજા પશુઓ પણ કતલ કરવા માટે બાંધેલા છે. હાલમાં તેના માણસો સાથે પશુઓની ગેરકાયદે કતલની કામગીરી ચાલુ કરવાની ફિરાકમાં છે તેવી બાતમી જવાહરનગર પોલીસને મળી હતી. જેના આધારે બાતમી વાળી જગ્યાએ ગૌરક્ષા સમિતિના કાર્યકરોએ પોલીસને સાથે રાખી શનિવારે રાત્રિના સમયે પોલીસે રેડ કરી હતી અને દરવાજો ખોલી જોતા અલગ અલગ માણસો અંદર માંસ કાપી રહ્યા હતા. પોલીસને જોઈ નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં સ્થળ પરથી ગુલામ મુસ્તુફા ઉર્ફે ઇનાયત ઇબ્રાહીમભાઇ ખાટકી (રહે. લક્ષ્મીનગર, કરોડીયા રોડ, વડોદરા), તૌસીફ ગુલામ મુસ્તુફા ઉર્ફે ઇનાયત ઇબ્રાહીમભાઇ ખાટકી (રહે. લક્ષ્મીનગર, કરોડીયા રોડ, વડોદરા), ઇમરાન મુસ્તુફા મલેક (રહે. લક્ષ્મીનગર, કરોડીયા રોડ, વડોદરા) તૌકીર અબ્દુલરજા ચૌહાણ (રહે. લક્ષ્મીનગર, કરોડીયા રોડ વડોદરા), આસીફ ખારૂભાઈ કુરેશી ( રહે.રસુલજીની ચાલી, નવાયાર્ડ, વડોદરા શહેર), હુસેનભાઈ ગુલામભાઈ કુરેશી (રહે.રસુલજીની ચાલી, નવાયાર્ડ, વડોદરા શહેર) , અલ્તાફભાઈ અલ્લારખા કુરેશી (રહે. માસુમ ચેમ્બર્સ, પાણીગેટ દરવાજા પાસે, પાણીગેટ, વડોદરા શહેર) તથા સત્તારભાઈ અલ્લારખાભાઈ કુરેશી (રહે. માસુમ ચેમ્બર્સ, પાણીગેટ દરવાજા પાસે, પાણીગેટ, વડોદરા શહેર) ઝડપાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આરોપીઓ બંધ પતરાના પાકા શેડમાં ગેરકાયદે કોઇપણ પ્રકારની પરવાનગી વગર કતલખાનુ ચલાવવા સાથે માંસનુ વેચાણ કરતા હતાં. પોલીસ દ્વારા પાંચ પશુઓ ચાલીસ હજાર, 7 છરા ત્રણ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.