Vadodara

વડોદરા :ઓનલાઈન ઇન્વેસ્ટ કરવાના બહાને અલકાપુરીના વૃદ્ધ પાસેથી ઠગોએ રૂ.1.28 કરોડ ખંખેર્યા

પ્રતિનિધિ વડોદરા તારીખ 1

ઓનલાઈન ટ્રેડિંગ કરવાની લાલચ આપીને ઠગોએ અલકાપુરી વિસ્તારમાં રહેતા વૃદ્ધ પાસે રૂપિયા 44 લાખ ઇન્વેસ્ટ કરાવડાવ્યા હતા. જે વેબસાઈટમાં રૂપિયા બે કરોડ બતાવતા હોય વૃદ્ધે ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રૂપિયા ઉપાડ્યા ન હતા. જેના કારણે આગળ રોકાણ કરવું નથી ત્યારે ઠગોએ ઉપાડવા માટે વૃદ્ધ પાસેથી વિવિધ ફીના રૂ. 84 લાખ પડાવી લીધા હતા.ત્યારબાદ વધુ રૂપિયાની વૃદ્ધ પાસે માંગણી કરતા તેઓએ તેમની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. જેથી વૃદ્ધે તેમની પાસેથી રૂપિયા 1.28 કરોડ પડાવી લીધા હોવાની ફરિયાદ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી શિલાલેખ ડુપ્લેક્સમાં રહેતા બાલાકૃષ્ણન ગણેશ પંચાપગેસન બાલાક્રિષ્નન (ઉ.વ.65) નિવૃત્ત જીવન ગુજારે છે. 3 સપ્ટેમ્બરના રોજ તેમના વોટસએપ નંબર ઉપર મેસેજ આવ્યા હતો. જેમા તેમને ટ્રેડીંગ કરી રૂપિયા કમાવવા માટે લખ્યું હતું. વૃદ્ધે ટ્રેડિંગ કરવામાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તેમની સાથે કામ કરવાની તૈયારી બતાવી હતી. ત્યારે વૃદ્ધને એક ગ્રુપમા એડ કર્યા હતા અને બીજી લિંક આપી હતી.ત્યારબાદ તેમની રાશી ગુપ્તા સાથે વાત થતા વૃદ્ધે જણાવ્યું હતું કે તેઓને સ્ટોક માર્કેટમાં ઇન્ટરેસ્ટ છે અને પહેલાથી તેનું નોલેજ છે. 16 સપ્ટેમ્બરના રોજ રાશિ ગુપ્તાએ તેમને લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરવા કહ્યુ હતુ. જેથી વૃદ્ધએ લિંક ખોલી તેમાં પ્રાથમીક તથા બેંક ખાતાની માહીતી ભરીને સબમીટ કરતા તેમનું યુઝર નેમ, પાસવર્ડ જનરેટ થયા હતા અને ત્યારબાદ તે વેબસાઈટનું હોમ પેજ ખુલતા તેમાં ઇનવેસ્ટ કરવાના અલગ અલગ ઓપ્શન આપેલા હતા. જેમાથી તેમને કોન્ટ્રાક્ટ ટ્રેડીંગ અને આઇપીઓમાં ઇન્વેસ્ટ કરવા સાથે રાશી ગુપ્તાએ જણાવ્યુ હતું કે ટ્રેડીંગ માટે જે કંપની બતાવી છે તેના અમે કહીએ તે સમયે જ તમે ઈન્વેસ્ટ કરજો. આ ઇન્વેસ્ટમેન્ટ ખાલી એક જ દીવસનું હોય અને આજે ઇન્વેસ્ટ કરશો તો તમને આવતી કાલે રૂપિયા મળી જશે. વૃદ્ધને તેમના પર વિશ્વાસ આવી ગયો હતો અને તેમની વાતોમાં ફસાઈ ગયા હતા. 17 સપ્ટેમ્બરથી ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરી બેન્ક એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે તેમના અલગ અલગ ખાતામાં ઓનલાઈન રૂ.44 લાખ ઈવેસ્ટમેન્ટ કરવા ટ્રાન્સફર કર્યા હતા. જે રકમ પ્રોફીટ સાથે વેબસાઈટમાં બે કરોડ બતાવતી હતી. વિશ્વાસ કેળવવા માટે ઠગોએ 30 સપ્ટેમ્બરના રોજ રૂપિયા એક હજાર વૃદ્ધના બેંક ખાતામાં જમા કરી આપ્યા હતા તેમ છતાં રૂ.2 કરોડ પ્રોફીટ સાથે વેબસાઈટમાં બતાવતા હોય તે રકમમાંથી રૂપિયા ઉપાડવા જતા વૃદ્ધથી રૂપિયા ઉપડયા ન હતા. જેના કારણે વૃદ્ધે રાશી ગુપ્તાને જણાવ્યું હતું કે તેમને આગળ ઈનવેસ્ટ કરવું નથી ત્યારે તેણીએ તમે હવે ઈન્વેસ્ટ નહી કરો તો તમારે 10 % મેનેજમેન્ટ ફી પેટે રૂ.23.70 લાખ તેમજ સોર્ટ ટર્મ કેપીટલ ગેઇન ટેક્ષ 10 % લેખે રૂ. 28.10 લાખ ભરવા પડશે. જે રકમ પણ વૃદ્ધે ભરી દીધી હતી. ત્યારબાદ પણ રૂપિયા નહિ ઉપાડવા બાબતે ફરી રાશી ગુપ્તાને વાત કરતા તેણીએ કહ્યું તમારા ૩ બેંક એકાઉન્ટ છે. જેથી તમારુ નામ વેરીફાઈ કરવું પડશે તેમ કહી પ્રોસેસીંગ ચાર્જના રૂ.32.11 લાખ પણ વૃદ્ધ પાસે ભરાવ્યા હતા. પરંતુ રૂપિયા ઉપાડી આપવા માટે વૃદ્ધ પાસે વધુ રૂપિયાની માંગણી કરતા તેમની સાથે ઠગાઈ થઈ હોવાની શંકા ગઈ હતી. ભેજાબાજોએ ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને વૃદ્ધ પાસેથી રૂ.1.28 કરોડ ખંખેરી લઈને છેતરપિંડી આચરી હતી. જેથી વૃદ્ધે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top