વડોદરા તારીખ 5
વડોદરા શહેરમાં ઐતિહાસિક તોપ ફોડવાની પરવાનગી મળતા એમ.જી.રોડ ખાતે પૌરાણિક શ્રી રણછોડરાયજી મંદિર ખાતે આગામી માગસર સુદ 11 એકાદશી નિમિત્તે 11 ડિસેમ્બરે સાંજે વરઘોડો નીકળવાનો હોય ત્યારે ભગવાન શ્રી રણછોડરાયજીને ઐતિહાસિક તોપની સલામી આપવામાં આવશે. ત્યારે આજે પાંચ ડિસેમ્બરે પોલીસ કમિશનર ઐતિહાસિક તોપની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે ઝોનના ડીસીપી પણ હાજર રહ્યા હતા. તો ફોડવા બાબતે સુરક્ષા સહિત ના મુદ્દે પૂજારી સાથે ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણય પોલીસ વિભાગ જણાવશે.
અહી અગાઉ પરંપરાગત રીતે દેવદિવાળી નિમિત્તે તુલસીવિવાહ સમયે આ ઐતિહાસિક તોપ ફોડી રણછોડરાયજીને સલામી આપવામાં આવતી હતી. જે પરંપરા વર્ષ 1995ના દેવદિવાળી પર્વે વરઘોડામાં છેલ્લી વાર ઐતિહાસિક તોપ ફોડવામાં આવી હતી. આ પ્રસંગે તોપમાથી તણખાં ઉડતા બે વ્યક્તિઓ સામાન્ય દાઝ્યા હતા અને આ કેસમાં જે તે સમયે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તોપનો નેગેટિવ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જાહેર સુરક્ષા માટે આ તોપને જોખમી દર્શાવવામાં આવી હતી. જેના પગલે કલેક્ટરે આ ઐતિહાસિક તોપને કબજે કરી હતી અને દોઢસો વર્ષોથી ચાલતી પરંપરા બંધ કરવી પડી હતી. જેના કારણે ભક્તોમાં નારાજગી સાથે આક્રોશની લાગણી પણ ફેલાઈ હતી અને જે તે સમયે મંદિરના પૂજારી જનાર્દન ખુશવદન દવે ઉર્ફે જનાર્દન મહારાજ આ મામલે કોર્ટમાં દાદ માગી હતી. જેમાં ચાર વર્ષની લડત દરમિયાન કોર્ટે આ ઐતિહાસિક તોપ મંદિરના પૂજારીને કેટલીક શરતો આધિન રહીને પરત આપવામાં આવી હતી. જેના કારણે 29 વર્ષે મંદિરના પૂજારી જનાર્દન મહારાજ પગરખાં ધારણ કરી ખુશી વ્યક્ત કરી હતી. ગત તા.26નવેમ્બરના રોજ રણછોડરાયજીની ભવ્ય વિજયયાત્રા નીજ મંદિરથી છ કલાકે નિકળનારી હતી અને ચાંપાનેર દરવાજા નજીક લક્ષ્મીજી મંદિરથી પરત નિજ મંદિરે ફરી અને અહીં ઐતિહાસિક તોપથી ભગવાન શ્રી રણછોડરાયજીને સલામી આપવાનો કાર્યક્રમ હતો પરંતુ જરુરી પરવાનગી ન મળતાં લો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો. ત્યારબાદ ભક્તોની લાગણી અને માંગણી ને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હવે આગામી 11મી ડિસેમ્બરને માગસર સુદ 11 (એકાદશી) નિમિત્તે ભગવાન શ્રી રણછોડરાયજીનો વરઘોડો સાંજે છ કલાકે એમ જી રોડ સ્થિત નિજ મંદિરથી નીકળી લક્ષ્મીજી મંદિર થઇ પરત નિજ મંદિરે આવશે. ત્યાં ભગવાન શ્રી રણછોડરાયજીને ઐતિહાસિક તોપની સલામી આપવામાં આવશે. જેને લઈને આજે પોલીસ કમિશનર નરસિમહા કોમાર ઐતિહાસિક ટોપ ની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. સુરક્ષા સહિતના મુદ્દાઓ પર પૂજારી સાથે યોગ્ય ચર્ચા કર્યા બાદ પોલીસ વિભાગ પોતાનું નિર્ણય જણાવશે તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.