Vadodara

વડોદરા એસ.ઓ.જી.ના એએસઆઇ લક્ષ્મીકાંત દેસાઈના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા 48 લાખના ડ્રગ્સ કેસમાં સંડોવણી બહાર આવતા એસએમસી દ્વારા એએસઆઇ ની ધરપકડ

અન્ય કોઈની સંડોવણી છે, કેટલા સમયથી આરોપી પેડલર સંપર્કમાં હતા, ક્યાંથી જથ્થો મંગાવતા હતા સહિતના અલગ અલગ મુદ્દા પર પૂછપરછ કરાશે

વડોદરા તારીખ 1

વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા 48 લાખના કેસમાં સંડોવણી બહાર આવતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એસઓજીના એએસઆઇ લક્ષ્મીકાંત દેસાઈની ધરપકડ કરી લેવામાં આવી હતી. એસએમસી ના તપાસ અધિકારી દ્વારા આરોપી એએસઆઈને કોર્ટમાં રજૂ કરીને તેની વધુ પૂછપરછ કરવા માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટ દ્વારા આરોપીના પાંચ ફેબ્રુઆરી સુધીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વડોદરા રેલ્વે સ્ટેશન પરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા 9 જાન્યુઆરીના રોજ 47.98 લાખના હેરોઈન ડ્રગ્સ સહિત રૂપિયા 48.07 લાખના મુદ્દામાલ સાથે પેલડર અમરીકસીંઘ ઉર્ફે સોનુ સરવણસીંઘ દિલીપસીંઘ મલ્હી (રહે. ગુરુનાનક નગર, છાણી જકાતનાકા, વડોદરા શહેર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે હેરોઈન ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ ગુનામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને પેડલરના કબજે કરવામાં આવેલા મોબાઇલની ડિટેલ કઢાવી હતી.
વડોદરા શહેર એસઓજી બ્રાન્ચમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારી અનામ એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈ (ઉવ. 57 રહે.સનમિલન સોસાયટી, શુભાનપુરા ફાઈટેન્શન રોડ, વડોદરા)ની આરોપી પેડલર અમરીકસિંધ ઉદ્દે સોનુ મલ્હી સાથે સંડોવણી બહાર આવતા સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઇ છે. જેને લઈ એસએમસી દ્વારા ધી નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ કલમ-8(સી),22૨(બી),29 મુજબના ગુના હેઠળ લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે એસએમસીની ટીમ દ્વારા આરોપી ASI લક્ષ્મીકાંત દેસાઈની વધુ પૂછપરછ કરવા માટે 1 ફેબ્રુઆરીના રોજ કોર્ટ્માં રજૂ કરી કરવામાં આવ્યો હતો. તપાસ અધિકારી દ્વારા કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીના 5 ફેબ્રુઆરી સુધીના એટલે ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની મંજૂર કરવામાં આવ્યા છે. એસએમસી દ્વારા અન્ય કોઈની સંડોવણી છે, કેટલા સમયથી આરોપી પેડલર સંપર્કમાં હતા, ક્યાંથી જથ્થો મંગાવતા હતા સહિતના અલગ અલગ મુદ્દા પર પૂછપરછ કરાશે.

Most Popular

To Top