છેલ્લા ચાર દિવસથી ભંગાણ પડ્યું હોવા છતાં રીપેરીંગના અભાવે હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું :
કોર્પોરેશન અને એસએસજી સંકલન કરીને તેને રીપેર કરવામાં આવે તેવી કોર્પોરેટરની માંગ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.16
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં સર્જીકલ વોર્ડ પાછળ બનાવાયેલા સંપની અંદર પાણીની નળીકામાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, સાંજના સુમારે પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા,છતાં આજદિન સુધી રીપેરીંગની કામગીરી કરવામાં આવી નથી. ત્યારે,સ્થાનિક કોર્પોરેટરે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.



વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવતા દર્દીઓ તેમના સ્વજનો તેમજ સ્ટાફને પણ પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે જેલ ટાંકીથી કોર્પોરેશન દ્વારા પાણીની નલિકા નાખવામાં આવી છે અને એસએસજી દ્વારા સર્જીકલ બિલ્ડીંગની પાછળ સંપ બનાવવામાં આવ્યો છે. એ સંપ મારફતે પાણી વિતરણ થાય છે. ત્યારે આ સંપની અંદર છેલ્લા ચાર દિવસથી પાણીની નળીકામાં ભંગાણ પડ્યું છે. જેના કારણે દરરોજ હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કેટલાક તો જ્યાં ભંગાણ પડ્યું છે. ત્યાંથી જ પીવાનું પાણી ભરીને ઉપયોગમાં લઈ રહ્યા છીએ. વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એવી એસએસજી હોસ્પિટલમાં વહીવટ કેવો ચાલે છે તે જોઈ શકાય છે. જ્યાં પાણીની નળીકા છે.ત્યાંથી આખા હોસ્પિટલમાં જે દર્દી આવ્યા હોય એમની સાથે સગા આવ્યા હોય એમના માટે કોર્પોરેશન દ્વારા જેલ ટાંકીથી બેની પાણીની નળીકા નાખવામાં આવી છે અને એસએસજીએ જે સંપ બનાવ્યો છે. એ સંપથી પાણીનું તમામ જગ્યાએ વિતરણ થતું હોય એ સંપની અંદર બેની નળીકામાં બહુ જ મોટું ભંગાણ થઈ ગયું છે. એ ભંગાણના કારણે હજારો ગેલન પાણી રોડથી ત્રણ ચાર દિવસથી ગટરમાં જઈ રહ્યું છે. દર્દીને પાણી પીવા મળતું નથી, વપરાશમાં નથી મળતું, સ્ટાફને પણ પાણી મળતું નથી અને જે અધિકારી હોય જે વહીવટ કરતા હોય એમને ખરેખર કોર્પોરેશનને જાણ કરવાની હોય છે કે અહીંયા મોટું ભંગાણ થયું છે. એને રીપેર કરવાનું હોય છે, પણ એ પોતે પણ નથી કરતા. એમના જે ડિપાર્ટમેન્ટ છે આરએમડી એમને કહેવાનું હોય કે તમે આ ભંગાણ થયું છે એને રીપેર કરો. પરંતુ કોઈ પણ ધ્યાન આપતું નથી. એટલે કેવી રીતે વહીવટ ચાલે છે એ જોઈ શકાય છે કે કેવી રીતે વહીવટ કરતા હશે. ચાર ચાર દિવસથી ભંગાણ થયું હોય અને આ પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં જતું હોય ત્યારે કોઈ પણ ધ્યાન આપતા નથી. સયાજી હોસ્પિટલના આસપાસના વિસ્તારોમાં પણ અહીંથી જ પાણી જતું હોય તેમને પણ ખૂબ જ ઓછા પ્રેશરથી પાણી આવતું હોય તેવામાં આવી લાઈનોમાં ભંગાણ પડતું હોય ત્યારે વહેલી તકે આ પાણીની લાઈનમાં જે ભંગાણ પડ્યું છે, તેને કોર્પોરેશન અને એસએસજીવાળા સંકલન કરીને તેને રીપેર કરવામાં આવે તેવી અમારી માંગણી છે.