
વડોદરા તારીખ 13
એમએસ યુનિવર્સિટી ની ટેકનોલોજી ફેકલ્ટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં પંખા સાથે ચાદરથી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ યુવક જમ્મુ કાશ્મીરના ઉધમપુરનો હતો અને બે એક વર્ષથી અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યો હતો. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પીએમ માટે ખસેડી વોર્ડન નું નિવેદન લીધું છે. જોકે આપઘાતનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.
જમ્મુ કાશ્મીર સ્થિત ઉધમપુરનો અભિષેક શર્મા વિશ્વેશ રાય હોસ્ટેલમાં રહેતો હતો. અભિષેક શર્મા એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં ટેકનોલોજીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. છેલ્લા બે ત્રણ વર્ષથી યુવક વડોદરામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો. દરમિયાન 12 એપ્રિલના રોજ આ યુવકે પોતાના હોસ્ટેલમાં પંખા સાથે ચાદર બાંધીને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને વિદ્યાર્થીના મૃતદેહને નીચે ઉતાર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે યુવક વિદ્યાર્થીએ કયા કારણસર આત્મહત્યા કરી તેનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. હોસ્ટેલમાં ફરજ બજાવતા વોર્ડનનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું છે.
