સવારે કોઈ જ કર્મચારી ન હોવા છતાં ભેદી સંજોગોમાં આગ ફાટી નીકળી
કલેકટર કચેરીના વિવાદ વચ્ચે સરકારી દસ્તાવેજ બળી ગયાની ચર્ચા ચાલી
વડોદરા: શહેરના ઉત્તર ઝોનમાં કાર્યરત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરીમાં આગનો બનાવ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામ આખા પાસે નિયમોનું પાલન કરાવતી કચેરીના ફાયર સાધનો જ વીતેલી મુદતના જણાયા હતા.
સવારે 8:45 વાગ્યે ધડાકાભેર આગના બનાવ અંગે નાયબ મામલદાર કે જે વસાવાને કચેરીના વોચમેન ધ્વારા જાણવા મળ્યું હતું. આગ અંગે તુરંત ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવતા લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી. જો કે , કયા કારણે આગ લાગી તે તપાસ નો વિષય બન્યો છે.
નાયબ મામલદાર કે જે વસાવા જણાવ્યા અનુસાર શોર્ટસર્કિટના કારણ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. તેમણે સરકારી દસ્તાવેજ આગમાં બળ્યા હોવાની વાત નકારી કાઢી હતી. માત્ર પ્રિન્ટરને નુકશાન પહોંચ્યું હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ફાયર સેફ્ટી સાધનો એક્ષપાયર્ડ હોવાનું કેમેરામાં કેદ થયું હતું.1/6/ 2024 ની તારીખ સ્પષ્ટ દેખાય છે. તંત્ર દ્વારા સેફટીના સાધનો બાબતે સદંતર દુર્લક્ષ સેવવામાં આવ્યું હતું. સંજોગ વસાત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તો કઈ હદે નુકશાન થઈ શકે તે બાબત વિચારવા જેવી છે.