Vadodara

વડોદરા: ઉત્તર ઝોનમાં આર.સી.સી. રોડ કામનો ઈજારો ત્રણ મહિના વધારવાની ભલામણ

વડોદરા મહાપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ 9 કામોની દરખાસ્ત રજૂ કરાઈ

દક્ષિણ ઝોનમાં ફૂટપાથ-ડીવાઈડર કામના ઈજારાની મર્યાદા રૂ.5 થી વધારી રૂ.7 કરોડ કરવા અંગે નિર્ણય લેવાશે

વડોદરા : મહાનગરપાલિકાની આગામી સ્થાયી સમિતિની બેઠકમાં પાણી પુરવઠા અને માર્ગ વિભાગ સંબંધિત અનેક ઈજારામાં વધારો તેમજ નવી મંજૂરીઓ અંગે નિર્ણય લેવાશે. કમિશ્નર તરફથી આવેલી ભલામણ મુજબ દક્ષિણ ઝોન માટે કોન્ટ્રાક્ટ બેઝ પર ઓપરેટર તથા મજૂર (માનવદિન) માટે રૂ.75 લાખની નાણાંકીય મર્યાદામાં ચાલી રહેલા ઈજારામાં રૂ.20 લાખનો વધારો કરી કુલ રૂ.95 લાખ કરવાની તથા મુદત ત્રણ મહિના વધારવાની ભલામણ કરવામાં આવી છે. તે ઉપરાંત પાણી પુરવઠા (ઇલે./મીકે.) શાખાના વિતરણ મથકો તથા પાણીના સ્ત્રોતો ખાતે ઇલેક્ટ્રિકલ સ્પેર્સ સપ્લાય અને ઉપકરણોની દુરસ્તી માટે મે. મારૂતી ઇલેક્ટ્રીકલ્સના રૂ.65 લાખના ઈજારામાં રૂ.20 લાખનો વધારો કરી કુલ રૂ.85 લાખ કરવાની ભલામણ પણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ વિભાગ હેઠળ ઉત્તર ઝોનમાં વાર્ષિક ઈજારાથી રૂ.6 કરોડની મર્યાદામાં આર.સી.સી. રોડના કામ માટે મે. અગ્રવાલ કન્સ્ટ્રક્શનનો ઈજારો ત્રણ મહિના લંબાવવાની ભલામણ છે. દક્ષિણ ઝોનમાં રૂ.5 કરોડની મર્યાદામાં પેવર બ્લોકથી ડીવાઈડર, ફૂટપાથ અને સર્વિસ ટ્રેકના કામ માટે મે. કૌશલ દેવિદાસ હરપલાણીના ઈજારામાં રૂ.2 કરોડનો વધારો કરી રૂ.7 કરોડ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે.

દક્ષિણ ઝોનમાં મજૂરી આધારિત પથ્થર પેવિંગના કામ માટે મે. હરીઓમ કન્સ્ટ્રક્શનનો રૂ.1 કરોડનો ઈજારો વધારી રૂ.2 કરોડ કરવાની ભલામણ પણ સમિતિમાં ચર્ચાશે. પાણી પુરવઠા (ઇલે./મીકે.) શાખા હેઠળ સયાજીપુરા ટાંકી અને આજવા રોડ ટાંકીના પંપીંગ અને વાલ્વ સંચાલનના કામ માટે પાંચ વર્ષ માટે ઈજારો આપવાના પ્રસ્તાવ રજૂ થયા છે. જેમાં લોએસ્ટ ઈજારદાર M/s. લક્ષ્મીનારાયણ એન્જિનિયરિંગના રૂ.2.60 કરોડ અને M/s. ઉમિયા એન્જિનિયરિંગના રૂ.3.35 કરોડના ઈજારા કમિશ્નર તરફથી મંજૂરી માટે સ્થાયી સમક્ષ રજૂ થયા છે.

Most Popular

To Top