60 ટકાવાળા નોકરીથી વંચિત અને 40 ટકાવાળાને નોકરી મળી જતા ઉમેદવારોમાં રોષ :
ભરૂચ,મહેસાણા અને રાજકોટ ઝોનની એકજ દિવસે એકજ સમયે પરીક્ષા લેવાઈ હતી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.27
ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટની ભરૂચ મહેસાણા અને રાજકોટ એમ ત્રણ ઝોનની જેટકો દ્વારા લેવાયેલી પરીક્ષામાં ઓછા ટકાવાળાને નોકરી મળી જતા અને વધુ ટકાવાળા નોકરીથી વંચિત રહેતા ઉમેદવાર હોય વડોદરા વિદ્યુત ભુવન ખાતે પોતાની સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.

જેટકો દ્વારા ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ માટે ભરૂચ મહેસાણા અને રાજકોટ એમ 3 ઝોનની એક જ દિવસે એક જ જગ્યા પર અને એક જ સમયે પરીક્ષા લેવામાં આવી હતી. અનેક નોકરી વાંચ્છુક ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. મેરીટ બહાર પડ્યું હતું. આમ તો ત્રણેયનું મેરીટ સરખું જ બનવું જોઈએ પણ ઝોન વાઇસ અલગ અલગ મેરીટ બનાવવાનો હુકમ કર્યો હતો. જેમાં ભરૂચ અને રાજકોટના ઉમેદવારોના 40 થી 45% આવ્યા હતા અને આ સાથે તેમને નોકરી પણ મળી ગઈ હતી. જ્યારે મહેસાણા ઝોનના ઉમેદવારોનું સૌથી વધુ મેરીટ આવ્યું હતું. 60 થી 65 ટકા હોવા છતાં પણ મહેસાણા ઝોનના ઉમેદવારો નોકરીથી વંચિત રહ્યા છે. ત્યારે જેટકો દ્વારા મહેસાણા ઝોનના ઉમેદવારોને અન્યાય કરાયા હોવાના આક્ષેપ થયા છે. ત્યારે મહેસાણા ઝોનના ઉમેદવારો વડોદરા વિદ્યુત ભુવન ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા. સામાજિક કાર્યકર પણ તેમના સમર્થન સાથે જોડાયા હતા. જેટકોના અધિકારીને રજૂઆત કરવા જવાનું હતું. પરંતુ સિક્યુરિટી અને પોલીસ દ્વારા રોકવામાં આવતા તમામ ઉમેદવારો ધરણા પર બેસી ગયા હતા અને જેટકો ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેટકો દ્વારા મહેસાણા ઝોનના ઉમેદવારોને કરવામાં આવેલા અન્યાય સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે આગામી દિવસોમાં જો આ અંગે યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉમેદવારોએ ઉચ્ચારી હતી.
