એસએસજીના પહેલા માળે બારીમાંથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા લાંબા સમયથી ઓર્થોપેડિક વિભાગમાં સારવાર ચાલતી હતી
વડોદરા: શહેરની સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં જ ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના પ્રથમ માળે બારીમાંથી નીચે કુદીને દર્દીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત દર્દીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મોત વહાલું કરવાનો પ્રયાસ કરનાર દર્દીને વધુ સારવાર માટે ઓર્થોપેડિક વિભાગના એસઆઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં આજે લાંબી સારવાર બાદ વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
વડોદરા શહેરના ખોડિયારનગર ન્યૂ વીઆઇપી રોડ વ્રજધામ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવારને અકસ્માતને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓ ઓર્થોપેડિક વિભાગ બી 1 યુનિટમાં સારવાર હેઠળ હતા. 8 નવેમ્બરે દીકરો ઘરે ગયો હતો તે બીમારીથી કંટાળી ગયેલા વૃદ્ધે અચાનક સર્જિકલ બિલ્ડીંગમાં પહેલા માળ ડી-1 વોર્ડમાં સ્પેશિયલ રૂમની બારીમાંથી કુદકો મારીને આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ હોસ્પિટલ તંત્ર દ્વારા આ સ્પેશિયલ રૂમને તાળા મારી દેવામાં આવ્યાં હતા. ત્યારે આપઘાતનો પ્રયાસ કરનાર આ ઇજાગ્રસ્ત વૃદ્ધનું આખરે લાંબી સારવાર બાદ મોત નિપજ્યું હતું. હાલમાં વૃદ્ધના મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પરિવારના સભ્યોને આવતા મૃત તેમને અંતિમવિધી માટે સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વૃદ્ધ આર્મીમાંથી રિટાયર થયા બાદ નિવૃત જીવન ગુજારતા હતા.