વિવાદોમાં રહેલ ડાયરી અડધું વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે હવે નગર સેવકોને ત્યાં રવાના કરાઈ :
નવા વર્ષની ડાયરી મહાનુભાવોના ફોટો સિલેક્શનને લઈ વહેલા પ્રસિદ્ધ થઈ શકી ન હતી .
સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આચારસંહિતા હટી જતા પાલિકાઓ દ્વારા અટકી પડેલી કામગીરી આગળ ધપાવી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની વિવાદના વંટોળમાં ઘેરાયેલ ડાયરીએ આજે આળસ મરોડી હતી.છપાયેલી ડાયરીઓને ક્વોટા મુજબ નગરસેવકોને ત્યાં રવાના કરાઈ હતી.
સમગ્ર દેશમાં વિવિધ તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી.જેને લઈ આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી. ત્યારે વિવિધ સરકારી કામો અટવાઈ પડ્યા હતા. હવે ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે.નવી સરકાર બનશે તે પાછળ પણ અસમંજસ જેવી પરિસ્થિતિ છે. ત્યારે હવે આચારસંહિતા હટી જતા નગરપાલિકાઓ દ્વારા અગાઉ અટકી પડેલી વિવિધ કામગીરીને આગળ ધપાવી છે. વડોદરા નગરપાલિકાની ડાયરીને લઈ અગાઉ ઘણો વિવાદ જોવા મળ્યો હતો. ડાયરી છપાઈને તૈયાર પણ થઈ ગઈ પણ વચ્ચે આચારસંહિતા લાગુ થઈ જતા તેના વિતરણ પર બ્રેક વાગી ગઈ હતી.
અડધું વર્ષ પૂરું થવા આવ્યું છે. ત્યારે પાલિકાની ડાયરીના દર્શન થયા છે. આજે છપાયેલી ડાયરીઓને વિવિધ વાહનોમાં ભરી ક્વોટા પ્રમાણે નગરસેવકોને ત્યાં રવાના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નવ વર્ષમાં પ્રતિવર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી ડાયરીઓ બહાર પાડવામાં આવતી હોય છે જોકે આ વખતે કેટલાક મહાનુભાવો ના ફોટો સિલેક્શનને કારણે આ ડાયરી પ્રસિદ્ધ કરવામાં વિલંબ થયો હતો. તેવામાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આચાર સહિતા લાગુ થઈ ગઈ હતી. જેના કારણે પાલિકાની આ ડાયરી પાલિકામાં જ કેદ બનીને રહી ગઈ હતી.