વડોદરા શહેરમાં દારૂના ધંધામાં વર્ચસ્વની લડાઇમાં બૂટલેગરો વચ્ચે ઉગ્ર બનતું ગેંગવોર
હરી સિંધીએ કહ્યું, અલ્પુએ મારા મિત્રને ધમકી આપી ખંડણી માગ્યા બાદ કાર આંચકી લીધી
પ્રતિનિધિ વડોદરા તા.20
વડોદરા શહેરમાં બૂટલેગરો વચ્ચે ગેંગવોર થયુ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી અલ્પુ સિંધીએ હેરી લુધવાણીનો પીછો કર્યા બાદ ફતેગંજ બ્રિજ પર હિંસક હુમલો કર્યો હતો. અલ્પુ સિંધીએ તમારે દારૂનો ધંધો કરવો હશે તો દારૂની પેટી દીઠ રૂ.500 આપવા પડશે અને અલ્પુએ મુકેશ હરજાણી બનવું છે તેમ હેરીએ જણાવ્યું છે.
વડોદરા શહેરમાં બૂટલેગરો વચ્ચે વર્ચસ્વની લડાઇમાં ત્રણ દિવસ અગાઉ ગેંગવોર થયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. વડોદરાના નામચીન કુખ્યાત બૂટલેગર અલ્પુ સિંધી અને તેના ચાર સાગરીતોએ મળીને ફતેગંજ વિસ્તારમાં બૂટલેગર હેરી લુધવાણી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન ઈજાગ્રસ્ત બૂટલેગર હેરી લુધવાણીએ જણાવ્યું હતુ કે, બૂટલેગર અલ્પુ સિંધી દારૂનો કુખ્યાત સપ્લાયર છે, અગાઉ જેલમાં હતો ત્યારે હું બહાર હતો. જેલમાંથી માણસો દ્વારા ખંડણી માંગી હતી. દારૂની એક પેટી પર અલ્પુ સિંધી 500 રૂપિયા ખંડણી માંગે છે. વારસીયા પોલીસ સ્ટેશનમાં અલ્પુ સિંધીએ મારા મિત્રને ધમકી આપી હતી અને અલ્પુએ ખંડણીરૂપે મારી કાર આંચકી લીધી હતી. હેરી લુધવાણીએ જણાવ્યું હતું કે, 2 એપ્રિલે મારા મિત્ર દિનેશ લાલવાણીને માર માર્યો હતો, જેથી અમે અલ્પુ અને ગોલુ ઉપર કેસ કરવા માટે ગયા હતા. ગોલુએ મારા મિત્રને માર મારીને કહ્યુ હતું કે, હેરીને બોલાવ તેની પાસેથી 2 લાખ લેવાના છે. જેથી હું વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયો હતો. મે તેને વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ મારા મિત્ર દિનેશને ટોર્ચર કરતા હતા કે, તું સમાધાન કર નહી તો તને મારીશું. ત્યારબાદ દિનેશ અને ગોલુને પોલીસે બેસાડી દીધા હતા. પરંતુ મારા મિત્ર પર હુમલો કરાવનાર અલ્પુને પોલીસે કંઈ કર્યું હતું અને તેને જવા દીધો હતો. ત્યારબાદ મારી કાર પરત માંગવાના મામલે મારી પર અલ્પુ સહિતના લોકોએ મારા પર પણ હુમલો કર્યો હતો. અલ્પુ સામે 50થી વધુ ફરિયાદો છે તે દારૂનો ધંધો કરે છે. મારી સામે પણ દારૂની ફરિયાદો છે જેમાં હું ના પાડતો નથી. અલ્પુ કહે છે કે, જેવા મુકેશ દાદા કરતા હતા કે તેવુ તમારે ધંધો કરવો હશે તો મારી પરમિશન લેવી પડશે, પેટી દીઠ રૂપિયા 500 આપવા પડશે. નહીતર દારૂનો ધંધો નહી કરવા દઉ.
– અલ્પુ સહિતના આરોપીઓને પકડવા માટે પોલીસના પાંચ ટીમો એક્શનમાં
ફતેગંજ બ્રિજ પર હુમલો કરનાર આરોપીઓને પકડવા માટે ફતેગંજ પોલીસે પાંચ જેટલી ટીમો બનાવી છે. ડીસીબીની બે અને પીસીબીની ટીમો દ્વારા પણ આરોપીઓના શોધવાની કામગીરી કરી રહી છે. અગાઉ પણ આ લોકો વચ્ચે વારસિયામાં ઝઘડો થયો હતો. જેની સીટી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઇ છે. હેરીએ કરેલા આક્ષેપો અંગે સિટી, વારસિયા અને ફતેગંજ પોલીસ દ્વારા તપાસ કરાઇ રહી છે. જે સી કોઠિયા, ડીસીપી ઝોન -1
- હેરી પર હુમલામાં રવિની સંડોવણી છે કે નહી તેની તપાસ શરૂ
બુટલેગર હેરી લુધવાણી પર થયેલા હુમલાના કેસમાં આરોપી રવિ બનાવ વખતે હાજર હતો કે, કેમ તે મુદ્દે વિવાદ સર્જાયો હતો. બનાવ બન્યો તે સમયે સિટી પોલીસ સ્ટેશનમાં તેની અટકાયત થઇ હોવાની માહિતી પણ જાણવા મળી રહી છે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તેની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરાઇ રહી છે. બીજી તરફ અલ્પુ સિંધી અને તેના સાગરીતોને શોધવા ફતેગંજ પોલીસની ટીમો સાથે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી સહિતની ટીમો પણ કામે લાગી છે છે. અલ્પુના રહેઠાણ તેમજ અન્ય આશ્રય સ્થાનો પર તપાસ કરાઇ હતી પરંતુ તેનો પત્તો લાગ્યો નથી.