Vadodara

વડોદરા : અજાણ્યા નંબરથી RTOના નામે મેસેજ આવે છે, તો ચેતજો નહિતો બેંક એકાઉન્ટ થઈ જશે ખાલીખમ

સાયબર માફિયાઓનો લોકોના એકાઉન્ટ ખાલી કરવા નવો અખતરો

શું તમે તમારા વાહનથી નિયમનું ઉલ્લંઘન કર્યું છે ચલણ ભરવા માટે મોકલવામાં આવી રહી છે એપ્લિકેશન :

સાયબર માફિયાઓ છેતરપિંડી કરવા માટે કંઈપણ કરી શકે છે. હાલ RTOના નામે મેસેજ આવી રહ્યા છે. સાથે એક એપ્લિકેશન પણ મોકલવામાં આવી રહી છે. જેમાં વાહનનો ચલણ નંબર કઈ તારીખે નિયમનું ઉલ્લંઘન કર્યું અને તેના ફોટોગ્રાફ્સ પુરાવા સહિત જોવા માટે વાહન પરિવહન મોબાઈલ એપ્લિકેશનને એક્સેસ કરવા જણાવાયું છે. જોકે આ મામલે ગુજરાત મિત્રે આરટીઓ અધિકારી સાથે વાત કરતા આ એપ્લિકેશન અને મેસેજ ફેક હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી.

સાયબર માફિયાઓ કોઈને કોઈ નવા અખતરા કરી લોકોના એકાઉન્ટ ખાલી ખમ કરી નાખતા હોય છે. ત્યારે હવે લોકોના મોબાઈલ પર આરટીઓના નામે એપ્લિકેશન અને મેસેજ આવી રહ્યા છે. જેમાં તમે તમારા વાહનથી નિયમનું ઉલ્લંઘન કર્યું છે માટે મેસેજ સાથે આવેલી એપ્લિકેશનમાં એક્સેસ કરવા જણાવ્યું છે જો ભૂલમાંથી કોઈ આ એપ્લિકેશનને એક્સેસ કરે છે તો તેનું ગંભીર પરિણામ આવી શકે છે. આ બાબતે ગુજરાત મિત્રે આરટીઓ કચેરીમાં અધિકારી સાથે વાત કરતા તેઓએ આ મેસેજ અને એપ્લિકેશન ફેક હોવાની પુષ્ટિ કરી હતી.

સાયબર એક્સપર્ટ મયુર ભુસાવલકરે જણાવ્યું હતું કે, એન્ડ્રોઈડ મોબાઈલમાં કોઈપણ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવું હોય તો એ APK ફોર્મેન્ટમાં હોય છે. એટલે એપીકે ફાઈલ કદી ઈન્સ્ટોલ કરવી જોઈએ નહિ કોઈના પણ કહેવાથી. જો એપીકે ફાઈલ ઈન્સ્ટોલ કરવામાં આવે તો મોબાઈલ આખો હેક થઈ જાય છે અને ત્યારબાદ મોબાઈલનો સમગ્ર કન્ટ્રોલ કોઈ ત્રાહિત વ્યક્તિના હાથમાં જતો રહે છે. જેનાથી બેન્ક બેલેન્સ ખાલી થઈ શકે છે. ઈવોલેટ પર તમારો કંટ્રોલ નથી રહેતો. તમારા ડેટાનો દૂરઉપયોગ થાય છે જેવા કે તમારા ફોટાનો ઉપયોગ કરી તમારી પાસેથી ખંડણી પણ માંગવામાં આવી શકે છે. મોબાઈલનો દૂરઉપયોગ કરીને તમારા નામથી અન્યને ધમકી કે મેસેજ આપીને પણ પૈસા પડાવી શકે છે. એટલે આ ઉપરોક્ત મુદ્દા છે માટે APK ઈન્સ્ટોલ કરવાથી બચવું જોઈએ. આ ઉપરાંત AAP STORE અને PLAY STORE સિવાય કોઈપણ માધ્યમથી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવી જોઈએ નહિ. આવા જે મેસેજ આવી રહ્યા છે એ રેગ્યુલર નંબર પરથી જ આવે છે. જેથી કરીને આવા મેસેજ ગણકારવા જોઈએ નહિ.

સરકાર દ્વારા આવી કોઈ એપ્લિકેશન બહાર પાડવામાં આવી નથી

આ પ્રકારે સરકાર દ્વારા આરટીઓની આવી કોઈ એપ્લિકેશન બહાર પાડવામાં આવી નથી કે કોઈ આવા મેસેજ મોકલવામાં આવતા નથી. આ મેસેજ અને એપ્લિકેશન ફેક છે. લોકોએ પણ આવા મેસેજ અને એપ્લિકેશન આવે તો તેની યોગ્ય જગ્યાએ તપાસ કર્યા બાદ જ નાણાંકીય વ્યવહાર કરવા જોઈએ. : જીગર પટેલ, ARTO, વડોદરા

Most Popular

To Top