Vadodara

વડોદરા : અંગ દઝાડતી ગરમીમાં પીગળેલા ડામરે તંત્રની પોલ ઉઘાડી પાડી

ખંડેરાવ માર્કેટથી પોલોગ્રાઉન્ડ જતા રસ્તા ઉપરનો ડામર પીગળ્યો :

સ્થાનિક રહીશો, રાહદારીઓ અને વાહનચાલકો હેરાન પરેશાન :

( પ્રતિનિધિ ) વડોદરા તા.7

લાખો રૂપિયાના ખર્ચે શહેરમાં નવા રસ્તા બનાવવામાં આવતા હોય છે. જેને સત્તાધારી પક્ષ દ્વારા વિકાસ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવે છે. ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાની ઋતુમાં અગાઉ પાલિકાએ કરેલા વિકાસની પોલ ઉઘાડી પડી છે. શહેરના ખંડેરાવ માર્કેટથી પોલોગ્રાઉન્ડ તરફ જતા માર્ગ પરનો ડામર પીગળ્યો હતો. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી વેઠવાની ફરજ પડી હતી.

અત્યાર સુધી તમે રોડ જોયા હશે પણ વડોદરામાં રોડ ગુંદર બન્યો હોય તેમ જોયું નહિ હોય. આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓના પગ અને વાહનોના ટાયર પણ રોડ પર ચોંટી જાય છે. આ બીજું કશું નથી પણ વડોદરાનો વિકાસ છે. કોન્ટ્રાકટરની કટકી અને અધિકારીઓની મિલીભગતનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ સમસ્યા પ્રતિવર્ષે ઉનાળાની ઋતુમાં ઉદભવતી હોય છે. શહેરમાં રોડ બેસી જવો , ખાડા પડવા , ભુવા નિર્માણ પામવા આ બધી બાબત હવે આમ બની ગઈ છે. પરંતુ આ સમસ્યા જ્યાં ઉભી થાય છે ત્યાંના રહીશો અને ત્યાંથી પસાર થતા લોકોને છાશવારે મુશ્કેલી વેઠવી પડતી હોય છે.

સ્માર્ટ સિટી વડોદરામાં વિકાસની ફૂંકાતી ગુલબાંગો વચ્ચે શહેરનો વિકાસ રૂંધાયો અને કોન્ટ્રાકટરનો વિકાસ થતો હોય તેમ લાગી રહ્યું છે. નવા બનેલા રોડની હાલત થોડા દિવસમાં જ ખખડધજ થઈ જતી હોવાનું ઘણીવાર સામે આવ્યું છે તેવામાં આવે ઉનાળાની ઋતુઓ એ પણ પાલિકા તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી છે. પાલિકા તંત્ર દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચે નવા રોડ રસ્તા બનાવવા માટે જે તે વિસ્તારમાં ત્યાંના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવતા હોય છે પરંતુ તે બાદ જે પણ વિકાસનું કામ કરવામાં આવ્યું હોય તેનું સુપરવિઝન કરવામાં આવતું નથી. જેના કારણે સીધો ફાયદો કોન્ટ્રાકટરને થતો હોય છે. આવું જ કઈ પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 13 માં જોવા મળ્યું છે. શહેરના ખંડેરાવ માર્કેટ થી પોલો ગ્રાઉન્ડ તરફ જતા માર્ગ ઉપર ડામર પીગળ્યો છે જેના કારણે અહીંથી પસાર થતા લોકોના ચપ્પલ પણ રોડ પર ડામરમાં ચોંટી જાય છે. જ્યારે વાહનચાલકોને પણ તકલીફ પડે છે હાલ ઉનાળાની ઋતુમાં અંગ દઝાડતી ગરમીમાં ડામર પીગળી રહ્યો હોય ત્યારે આ વિસ્તારમાં નાના બાળકો પણ રસ્તા પર રમતા હોય છે. જો તેમના પગ ડામરના કારણે દઝાશે તો જવાબદાર કોણ ? તેવા સવાલો પણ વિસ્તારના સ્થાનિક રહીશોએ કર્યા છે. હાલ તો આ ડામર પીગળતા પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગતની પોલ ઉઘાડી પડી હતી.

Most Popular

To Top