કલાકોની જહેમત બાદ ફાયરબ્રિગેડના જવાનોને કોઈ ભાળ મળી નહીં

( પ્રતિનિધિ )વડોદરા,તા.27
કાલાઘોડા પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અજાણ્યા વ્યક્તિએ ઝંપલાવ્યું હોવાના બનાવને પગલે ફાયરબ્રિગેડના જવાનો દ્વારા નદીમાં તેની શોધખોળ કરવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ પણ ફાયરબ્રિગેડના જવાનોને ડૂબી જનાર વ્યક્તિની કોઈ ભાળ મળી ન હતી.
વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કાલાઘોડા પાસે એક અજાણ્યા વ્યક્તિએ ઝંપલાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર પંચમુખી હનુમાનજી મંદિર સામે આવેલા યવતેશ્વર કમ્પાઉન્ડ પાસે એક્ટિવા અને નદી પાસે ચપ્પલ પડેલા જોવા મળતા આ વ્યક્તિ સયાજી હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવર રૂપેશ રાણા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. બનાવની જાણ કરવામાં આવતા રાવપુરા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. જ્યારે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા નદીના ઊંડા પાણીમાં મૃતદેહની શોધખોળ હાથધરવામાં આવી રહી છે. બીજી તરફ વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન હોય ફાયરબ્રિગેડના જવાનો દ્વારા ખાસ સાવચેતી પૂર્વક નદીમાં ઝંપલાવનારની શોધખોળ હાથધરવામાં આવી છે. કલાકોના જહેમત બાદ પણ ફાયરબ્રિગેડના જવાનોને નદીમાં ડૂબી જનાર વ્યક્તિની કોઈ ભાળ મળવા પામી ન હતી. જ્યારે બનાવની જાણ થતાં પરિવારજનો પણ નદી કિનારે આવી પહોંચ્યા હતા અને તેઓના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

