ચૂંટણીના માહોલ વચ્ચે શહેર એસઓજીની ટીમે મોટી સફળતા સાંપડી છે. શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા નસીર બિલ્ડિંગના ત્રીજા માળના મકાનમાં એસઓજીની ટીમે રેડ કરીને 221 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક પેડલરને ઝડપી પાડ્યો હતો.ઘરમાંથી એમડી સહિતના 22 લાખનો મુદ્દામાલક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
આગામી લોકસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે અને આચાર સંહિતાનો પણ અમલ શરૂ થઇ ગયો હોય પોલીસ દ્વારા શહેરમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે માટે વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ દ્વારા બીએસએફ સાથે ફુટ પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. તેવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે મોટી સફળતા સાંપડી છે. એસઓજીની ટીમે શુક્રવારે બાતમી મળી હતી કે ફતેપુરા હાથીખાના વિસ્તારમાં ખત્રીપોળના નાકા પર આવેલી શ્રમ કલ્યાણીની કચેરીના સામે નસીર બિલ્ડિંગના ત્રીજા માળે રહેતો ગુલામ હૈદર રફિક અહેમદ શેખ બહારથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવી છુપી રીતે વેચાણ કરે છે. જેના આધારે એસઓજીની સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં નસીર બિલ્ડિંગના ત્રીજા માળે રેડ કરી હતી. ત્યારે ઘરમાંથી ગુલામ હૈદર શેખ હાજર મળી આવતા એસઓજીએ તેને ઝડપી પાડ્યો હતો. તેને સાથે રાખી ઘરમાં તપાસ કરતા 221 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી એસઓજીની ટીમે આરોપી સાથે રૂ.22 લાખનો મુદ્દામાલ કબજે કરી કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.