વાદળછાયું આકાશ અને હળવા વરસાદથી ઠંડક પ્રસરી, આગામી ચાર દિવસ અતિ ભારે વરસાદનું એલાન; ખેડૂતોમાં ચિંતા
વડોદરા: વડોદરા સહિત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનનો માહોલ અણધાર્યો રહ્યો છે, ત્યારે ગુરુવારની સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો હતો. સવારથી આકાશ વાદળછાયું રહેતાં તાપમાનમાં ઘટાડો થયો હતો, અને હળવા ધૂમ્મસની ચાદર પણ છવાઈ હતી. સવારે જ ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેથી લોકોનો દિવસ સામાન્ય કરતાં વધુ ઠંડક સાથે શરૂ થયો હતો.
વડોદરામાં સવારના સમયથી પડેલા આ અણધાર્યા વરસાદને કારણે નોકરી-ધંધા જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ક્યાંક છત્રી જોઈએ એવું લાગતું તો ક્યાંક ઠંડીથી બચવા સ્વેટર પહેરવાની જરૂર જણાતી હતી, જેના કારણે લોકો અસમંજસમાં મુકાયા હતા. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહાર પર પણ તેની અસર જોવા મળી હતી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરેબિયન સમુદ્ર ઉપર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી ચાર દિવસ સુધી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વડોદરા સહિત રાજ્યના કુલ 15 જિલ્લાઓ માટે સત્તાવાર રીતે ચેતવણી જાહેર કરવામાં આવી છે અને જિલ્લા પ્રશાસનને સતર્ક રહેવા તથા જરૂરી વ્યવસ્થાઓ હાથ ધરવા સૂચનાઓ અપાઈ છે.ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ કેટલાય વિસ્તારોમાં પાક ઉભો છે, અને આ અણધાર્યો વરસાદ ઊભા પાકને નુકસાન પહોંચાડી રહ્યો છે. અનેક ખેડૂતો ખેતરોના પાણીનો નિકાલ કરવા માટે તત્પર બન્યા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પાક બચાવવા સમયસર પગલાં લેવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. નોકરિયાતો અને ખેડૂતો માટે આ અચાનક બદલાયેલા હવામાનને કારણે મુશ્કેલીભર્યો સમય સર્જાયો છે, જ્યારે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી કેટલાક દિવસોમાં પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થશે.
– અતિ ભારે વરસાદની આગાહીવાળા સંભવિત જિલ્લાઓ
1 વડોદરા
2 અમરેલી
3 ભાવનગર
4 ગીર સોમનાથ
5 જુનાગઢ
6 પોરબંદર
7 રાજકોટ
8 દેવભૂમિ દ્વારકા
9 ભરૂચ
10 સુરત
11 નવસારી
12 વલસાડ
13 ડાંગ
14 તાપી
15 બોટાદ / આણંદ
હવામાન વિભાગે માછીમારોને 31 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપી છે, અને રાજ્યના બંદરો પર સાવધાનીના સિગ્નલો (LCS-3) લગાવી દેવાયા છે.