યોજનાના 103 ખાલી પડેલા મકાનો માટેના ફોર્મ લેવા માટે રોજ ધરમધક્કા ખાતા નગરજનો
શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ખાનગી બેંક થકી આવાસ યોજનાના ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પહેલી તારીખ બાદથી ફોર્મની અછત હોવાનું સપાટી પર આવ્યું છે. જેના કારણે અરજદારોને સવાર- સવારમાં ધક્કો પડી રહ્યો છે. પોતાના તમામ કામો છોડીને ફોર્મની તપાસમાં ઉભા રહેતા લોકોને છેલ્લે નિરાશા જ સાંપડી રહી છે. જેથી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી છે. જો તેમ કરવામાં નહીં આવે તો સામાજીક કાર્યકરે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. પોતાનું ઘર મેળવવા માટે સરકારની આવાસ યોજનાના ફોર્મ લેવા માટે લોકો વહેલી સવારથી કતારોમાં લાગી રહ્યા છે. પરંતુ તેમનો વારો આવે ત્યારે ફોર્મ ખુટી પડ્યા હોવાનું જણાવી દેવામાં આવે છે. જેથી તેમણે નિરાશ થવું પડી રહ્યું છે. આખરે લોકોએ વિલા મોંઢે પરત ફરવું પડી રહ્યું છે. તેવા સંજોગોમાં હવે સામાજીક કાર્યકર લોકોની વ્હારે આવ્યા છે. અને આ મામલે લડત આપવાની તૈયારી દર્શાવી રહ્યા છે.
સામાજીક અને રાજકીય એક્ટિવીસ્ટ પિંકલ રામીએ મીડિયાને જણાવ્યું કે, પ્રધાન મંત્રી આવાસના ઇડબલ્યુએસના 103 ખાલી પડેલા મકાનો માટે ડ્રો માટે ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તા. 1 થી લઇને 20 સુધી ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પહેલી તારીખે માત્ર ફોર્મ વહેંચાયા હતા. ત્યાર બાદ ફોર્મ વેચાયા નથી. લોકો વહેલી સવારથી ફોર્મ માટે લાઇનો લગાવીને ઉભા રહે છે. ૧૦ વાગ્યે બેંક ખુલે ત્યારે ખબર પડે કે આજે ફોર્મ ખુટી પડયા છે. તેઓ લોકોને ફોર્મની અછત હોવાનું જણાવીને પરત મોકલી રહ્યા છે.