Vadodara

વડોદરામાં રફ્તારનો કહેર યથાવત, વધુ એક વૃદ્ધને બેફામ રિક્ષાએ ઉડાવ્યા

શહેરના તરસાલી રોડ પર રીક્ષાની અડફેટે સાયકલ સવાર વૃધ્ધનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત

(પ્રતિનિધિ) વડોદરા તા.28

શહેરના તરસાલી રોડ ખાતે સવારે પોણા અગિયારના સુમારે એક સાયકલ સવાર વૃદ્ધ ને ઓટો રિક્ષા ચાલકે અડફેટે લેતાં તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવાની તથા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરમાં રફ્તારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ શહેરના તરસાલી રોડ ખાતે એક સાયકલ સવાર અજાણ્યા વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતાં અને લગભગ રોડ ક્રોસ કરી ચૂક્યા હતા તે દરમિયાન પૂરઝડપે આવેલી ઓટોરીક્ષા જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-એ ડબલ્યુ -9721ના ચાલકે સાયકલ ચાલકને અડફેટે લેતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓના મ્હોંમાંથી લોહી નિકળી જતા તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અકસ્માત સર્જી રીક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવાની તજવીજ હાથ ધરી સાથે જ અકસ્માતનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top