શહેરમાં પવનની ગતિ પ્રતિ કલાકે 15 થી 22 કિલોમીટરની રહેતાં શહેરમાં ધૂળની ડમરી વચ્ચે વાતાવરણમાં ઠંડક જોવા મળી
(પ્રતિનિધિ) વડોદરા તા. 01
વરસાદની સંભાવના વચ્ચે રવિવારે શહેરમાં મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેલ્સિયસ યથાવત રહ્યું હતું. સાથે જ પવનની ગતિ પ્રતિકલાકે15 થી 22 કિલોમીટર ની ઝડપે પવન રહેતા શહેરમાં ધૂળની ડમરીઓ વચ્ચે શહેરીજનોને બફારાથી અને ઉકળાટભર્યા વાતાવરણથી રાહત જણાઇ હતી. રાજ્યમાં 15 જૂન પછી વરસાદની સંભાવના છે . અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની સિસ્ટમ નબળી પડતાં રાજ્યમાં કમોસમી વરસાદ પણ હવે સિસ્ટમ નિષ્ક્રિય થતાં ચોમાસું નબળું પડ્યું છે જ્યારે બંગાળની ખાડી થી આગળ વધતું ચોમાસું હવે ઉત્તર પૂર્વીય રાજ્યોને ઘમરોળશે.
દેશના દક્ષિણ પશ્ચિમમાં ચોમાસાનુ આ વર્ષે સમય કરતાં વહેલું આગમન થઇ ગયું છે.જેના કારણે ચોમાસું કર્ણાટક અને મહારાષ્ટ્ર, તેલંગાણા સહિતના ભાગોમાં પહોંચી ગયું છે. સાથે જ હાલમાં જે રીતે બંગાળની ખાડી થી ચોમાસું ઉત્તર પૂર્વીય તરફ આગળ વધતા દેશના ઉત્તર પૂર્વીય ભાગોને વરસાદ ઘમરોળશે. ત્યારે શનિવારથી ઉતરાખંડ ,સિક્કીમ સહિતના ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે.ગત તા. 24 મે દરમિયાન અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમા ફેરવાતા એક સિસ્ટમ સક્રિય બની હતી. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં વરસાદ વરસી રહ્યો હતો. પરંતુ હાલમાં અરબી સમુદ્રમાં નવી કોઈ સિસ્ટમ બની નથી રહી. જેના કારણે આગામી એકાદ બે દિવસમાં વર્તમાન સિસ્ટમ નિષ્ક્રિય થતાં ચોમાસું પણ નિષ્ક્રિય બનશે. જેના કારણે રાજ્યમાં ચોમાસાનું આગમન પણ 15 જૂન બાદ થવાની શક્યતા છે.
રાજ્યમા હજુ પણ વરસાદ માટે રાહ જોવી પડશે પરંતુ જૂની વરસાદી સિસ્ટમ ને કારણે કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.રાજ્યમા ગત સપ્તાહથી થન્ડરસ્ટ્રોમ એક્ટિવીટીના કારણે ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ ખાબક્યો હતો હાલમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં થઈ રહેલ છૂટાછવાયા વરસાદી ઝાપટાં એ પૂર્વ ચોમાસાની પ્રવૃતિનો એક ભાગ છે અને રાજ્યના ખેડૂતોને હજી વરસાદ માટે રાહ જોવી પડશે. ત્યારે મધ્ય ગુજરાતમાં હાલમાં વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે.વડોદરા શહેરમાં પવનની ગતિ પ્રતિ કલાકે 15 થી 22 કિલોમીટર ની ઝડપે રહેતાં શહેરમાં ધુળની ડમરીઓ વચ્ચે વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. શહેરીજનોને અસહ્ય ઉકળાટ,બફારા અને ગરમીથી રાહત જણાઇ છે. ત્યારે શહેરમાં રવિવારે મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સે. રહ્યું હતું સાથે જ લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 43% રહેવા પામ્યું હતું.