Vadodara

વડોદરામાં મતદાર યાદી અપડેટ અને SIR પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપી બનાવવા કડક સૂચના

અગ્ર સચિવ એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં SIR અને મતદાર યાદી સુધારણા મુદ્દે સમીક્ષા બેઠક યોજાઈ

(પ્રતિનિધિ), વડોદરા. તા. 9
રાજ્યના અગ્ર સચિવ એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) અંતર્ગત ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિ તેમજ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

મતદાર યાદી સુધારણા અંગે અગ્ર સચિવે સ્પષ્ટ કહ્યું હતું કે લોકશાહીની પ્રક્રિયામાં એકપણ લાયક મતદાર બાકી ન રહે તે સુનિશ્ચિત કરવું વહીવટીતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. નવા મતદારોના નામ ઉમેરવા, અવસાન પામેલા તથા સ્થળાંતરિત મતદારોના નામ દૂર કરવા અને ડેટાની સચોટતા જાળવવા માટે અધિકારીઓને કડક નિર્દેશ આપવામાં આવ્યા હતા. ખાસ કરીને યુવા મતદારોની નોંધણી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
ત્યારબાદ SIR હેઠળના પ્રોજેક્ટ્સની સમીક્ષા દરમિયાન અગ્ર સચિવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, જમીન સંપાદન અને વહીવટી અવરોધો દૂર કરી કામગીરીને ગતિ આપવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે SIR રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસનું મહત્વનું ગ્રોથ એન્જિન છે અને તેમાં કોઈપણ પ્રકારની ઢીલાશ સહન કરવામાં આવશે નહીં.
બેઠકના અંતે બાકી રહેલી કામગીરીનો અદ્યતન રિપોર્ટ તાત્કાલિક રજૂ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. બેઠકમાં કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, ARO સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Most Popular

To Top