શહેરમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ અને વાવાઝોડા બાદ આજે સવારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ વડોદરા બહાર હાઈવે નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીની પરિસ્થિતિનું અવલોકન કરવા સ્થળ પર પહોંચ્યા હતા. તેમના સાથે પાલિકાના સિટી એન્જિનિયર, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તથા પર્યાવરણવિદો પણ હાજર રહ્યાં હતા. વિશેષ છે કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) હાઈવે પર નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેમજ બુલેટ ટ્રેનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ અહીંથી પસાર થાય છે. આવા સમયે ભારે વરસાદના પગલે નદીમાં આવેલા વધારા અને પાણીના પ્રવાહના અવરોધ અંગે શંકા ઊભી થઈ છે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, “વિશ્વામિત્રી નદીનું પાણી વર્તમાન હાલતમાં ક્યાંય રોકાઈ રહ્યું નથી તેની ખાતરી કરવી આવશ્યક છે. આજે સાંજે NHAI અને બુલેટ ટ્રેન ઓથોરિટી સાથે બેઠક યોજી આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.”