વેચાણકારો અને ફળોના દુકાનદારોના રસ્તા પર દબાણને કારણે ટ્રાફિક સમસ્યા; દબાણ હટાવવાની કાર્યવાહીમાં પાલિકા ટીમે લારી-ગલ્લા અને સામાન કબજે કર્યા
વડોદરા : શહેરમાં આજે વહેલી સવારે દબાણ શાખાની ટીમે ફૂલ માર્કેટ ગુરુદ્વારાથી પથ્થર ગેટ, સાયકલ બજાર તેમજ લાલ કોર્ટ વિસ્તારમાં રોડ પર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ગુરુદ્વારા નજીક મોટી સંખ્યામાં પેપર અને પ્લાસ્ટિક ચીજ વસ્તુઓના વેચાણકારો દ્વારા રસ્તા વચ્ચે ટેબલ મૂકી વેપાર થતો હતો, જેના કારણે ટ્રાફિકમાં ભારે અડચણ સર્જાતી હતી. ફળોના દુકાનદારો પણ વહેલી સવારથી જ રસ્તા પર દબાણ કરી રસ્તો રોકી લેતા હતા, જેને કારણે વાહનચાલકો અને ખરીદારોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પાલિકા ટીમે અનેક લારી-ગલ્લા, ટેબલ અને સામાન કબજે કર્યા હતા. પોલીસના બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. સ્થાનિકો અને વેપારીઓ વચ્ચે થોડા સમય માટે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા, પરંતુ પોલીસની હાજરીમાં મામલો શાંતિપૂર્વક સંભાળી લેવાયો હતો.

મોટા પ્રમાણે દબાણ હટાવ્યા બાદ ઘણીવાર ફરીથી દબાણ ઉભા થવાના કિસ્સાઓ પણ સામે આવતાં, તંત્રની કામગીરી સામે પ્રશ્નચિહ્ન ઉભા થાય છે. તેમ છતાં, શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા અને જાહેર માર્ગો ખુલ્લા રાખવા માટે પાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે.