Vadodara

વડોદરામાં ફરી રસ્તા પર ભુવો : તંત્રની નિષ્ક્રિયતા કે ભ્રષ્ટાચાર ?

શહેરમાં ભૂવા પડવાની વણસતી સમસ્યા

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સતત રસ્તાઓ પર ભુવા પડવાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં અકોટા બ્રિજથી ગાય સર્કલ તરફ જવાના મુખ્ય માર્ગ પર એક મોટો ભુવો પડતાં ફરી એકવાર પાલિકા અને તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. આ માર્ગ શહેરના વ્યસ્ત માર્ગોમાંનો એક છે, અને વારંવાર આવા બનાવો થતાં વાહનચાલકો તેમજ નાગરિકો માટે આકસ્મિક ખતરો સર્જાઈ રહ્યો છે. સૌથી ચિંતાની વાત એ છે કે, આ જ વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક અન્ય ભૂવો પડ્યો હતો, જે માટે તંત્રએ મરામત હાથ ધરી હતી. છતાં ફરી ભૂવો પડવો એ સાબિત કરે છે કે પાલિકા દ્વારા કરવામાં આવતી મરામત માત્ર તાત્કાલિક સમાધાન પૂરતી જ સીમિત છે.

વડોદરા શહેરમાં ભૂવા પડવાના કિસ્સા કોઈ નવી બાબત નથી. દર વર્ષે શહેરના વિવિધ વિસ્તારોમાં આવા બનાવો નોંધાતા રહે છે. તાજેતરમાં જ, અકોટા, કારેલીબાગ, નિઝામપુરા અને અન્ય વિસ્તારોમાં પણ આવી ઘટનાઓ બની હતી. એક અહેવાલ મુજબ, છેલ્લાં થોડા મહિનામાં શહેરમાં 95થી જેટલા ભૂવા પડ્યા છે. આના લીધે અનેક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તંત્ર દ્વારા હંમેશા તાત્કાલિક મરામત તો કરાવવામાં આવે છે, પરંતુ લાંબા ગાળાની કોઈ પણ સમાધાન યોજના અમલમાં મુકાતી નથી.

શહેરમાં રસ્તાઓ પર સતત ભૂવા પડવાના ઘણા કારણો હોઈ શકે છે. શહેરમાં ડ્રેનેજ, પાણીની લાઇન અને ઇલેક્ટ્રિક કેબલ માટે વારંવાર ખોદકામ કરવામાં આવે છે. આ ખોદકામ બાદ યોગ્ય રીતે રોડ રીપેર ન થતા જમીન નબળી પડે છે અને ભુવો સર્જાય છે. અનેક કોન્ટ્રાક્ટરો દ્વારા રોડનું બાંધકામ નીચી ગુણવત્તાની સામગ્રી વડે કરવામાં આવે છે. આ કારણે થોડા સમય બાદ જ રોડ તૂટી જાય છે અને ભુવો પડવાની ઘટનાઓ બને છે. શહેરમાં ભુવો પડ્યા બાદ તંત્ર માત્ર ટુંકાસમા સમારકામ કરીને સમસ્યાને ઉકેલાયેલી ગણાવે છે. જો યોગ્ય નિરીક્ષણ અને કડક પગલાં લેવામાં આવે, તો ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય.

તાજેતરમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15 કરોડ રૂપિયાની મંજુરી આપવામાં આવી હતી, જેમાં મોટા ભાગના કામો શહેરના પડેલા ભૂવાઓને રીપેર કરવા માટેનાં હતાં. પરંતુ જે રીતે ભૂવો પડવાનું ચાલુ છે, તે બજેટનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે, તેના પર પણ સવાલ ઊભા થાય છે. શું કોન્ટ્રાક્ટરો માટે માત્ર ઠેકેદારી સિસ્ટમ ચાલે છે? શું તંત્ર આ કામોની યોગ્ય તપાસ કરે છે? આવી શંકાઓ શહેરીજનોમાં ઉઠી રહી છે. જો નગરપાલિકા અને તંત્ર સજાગ ન બને, તો ભવિષ્યમાં પણ આવા બનાવો થતા રહેશે.

શહેરના રસ્તાઓ પર વારંવાર ભૂવા પડતા હોવા છતાં તંત્ર દ્વારા માત્ર સમારકામ અને રીપેરિંગ પર જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો આ બાબત ગંભીરતાથી નહીં લેવામાં આવે, તો ભવિષ્યમાં આ સમસ્યા વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. અકોટા જેવા મુખ્ય વિસ્તારમાં પણ જો વારંવાર ભુવા પડતા હોય, તો મહાનગરપાલિકા અને તંત્રની કામગીરી પર મોટો સવાલ છે. શું આ ભ્રષ્ટાચાર છે? કે પછી માત્ર બેદરકારી? જો તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહિ આવે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ સામાન્ય બની રહેશે અને લોકોના જીવ માટે ખતરો બની રહેશે.


સતત ભૂવા પડવાની સમસ્યાથી નાગરિકોની સુરક્ષાને લઈને ઉઠી ચિંતા

વડોદરા શહેરમાં સતત ભૂવા પડવાની ઘટનાઓ વધી રહી છે, જેનાથી લોકોમાં ભય અને અનિશ્ચિતતા ફેલાઈ છે. ખાસ કરીને માર્ગ પર મુસાફરી કરતી વખતે નાગરિકો પોતાની સુરક્ષા અંગે હવે ચિંતિત બન્યા છે. મુખ્ય સવાલ એ છે કે જો કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લેશે? રોડની ખોટી બનાવટ, નીચી ગુણવત્તાવાળા સામગ્રીનો ઉપયોગ અને નબળું મેન્ટેનન્સ આવી ઘટનાઓ માટે જવાબદાર હોવાનું મનાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક ભૂવા પડવાના કિસ્સાઓ જોવા મળ્યા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ હવે ચિંતિત બન્યા છે. વડોદરા મહાનગર પાલિકાએ તાત્કાલિક તમામ મુખ્ય માર્ગોની ગુણવત્તા ચકાસવી જોઈએ અને યોગ્ય મરામત કરવી જોઈએ. નાગરિકોને એ બાહેંધરી આપવી જરૂરી છે કે જે રસ્તાઓ પર તેઓ અવરજવર કરે છે, તે પૂરતા સુરક્ષિત છે.

Most Popular

To Top