Vadodara

વડોદરામાં પ્લાસ્ટિક ફ્રી પહેલના પ્રારંભે જ કાપડની થેલી આપતું વેન્ડિંગ મશીન ખાલી

લાખોનો ખર્ચ કરી ખંડેરાવ માર્કેટ સહિતના વિસ્તારોમાં વેન્ડિંગ મશીનો ઉભા કરવામાં આવ્યા હતાં, જ્યાં પાંચ રૂપિયાનો સિક્કો નાખતાં જ નાગરિકોને કાપડની મજબૂત થેલી મળવાની જાહેરાત હતી. પરંતુ શરૂઆતના જ દિવસે મશીનો ખાલી જોવા મળતાં નાગરિકોમાં નિરાશા ફેલાઈ

વડોદરા મહાનગરપાલિકાએ શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ગત રોજથી નવી પહેલ હાથ ધરી હતી. આ પહેલ અંતર્ગત કાપડની ટકાઉ અને પુનઃઉપયોગ લાયક થેલી સરળતાથી લોકો સુધી પહોંચી શકે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મશીનો મૂકાયા હતા. કરોડોનો ખર્ચ કરી ઉભું કરાયેલા આ પ્રોજેક્ટની શરૂઆત જ વિઘ્નસભર રહી છે.

માહિતી મુજબ, ખંડેરાવ માર્કેટ એટલે કે કોર્પોરેશનની પાસે શાકભાજી માર્કેટ નજીક મુકાયેલા બેગ(કાપડની થેલી) વેન્ડિંગ મશીનનું દ્રશ્ય આજે સવારે લોકો જોતા આશ્ચર્ય પામી ગયા. કારણ કે મશીનમાં એક પણ કાપડની થેલી ઉપલબ્ધ જ નહોતી. લોકો જ્યારે મશીન પાસે પહોંચ્યા ત્યારે તેમને ખાલી મશીન જ જોવા મળ્યું.
સવાલ તો એ પણ ઊભો થયો કે મશીન પર કેટલા રૂપિયાનો સિક્કો નાખવો તે અંગે કોઈ સ્પષ્ટ સૂચના જ નહોતી. માત્ર “સિક્કો નાખો અને થેલી મેળવો” એવું જ સૂત્ર લખાયેલું હતું. કેટલાક લોકોએ પ્રયત્ન કર્યો પણ માર્ગદર્શનના અભાવે મૂંઝવણમાં મુકાઈ ગયા. વધુમાં, મશીન સાથે મૂકાયેલ સ્કેનર પણ નિષ્ક્રિય હાલતમાં જોવા મળ્યો હતો, કારણ કે તેના પર ચોકડીઓ મારી દેવામાં આવી હતી.

મહાનગરપાલિકાએ જાહેર કરેલું કે આ મશીનો દ્વારા નાગરિકોને માત્ર પાંચ રૂપિયાની બદલામાં એક કિલો સામાન સમાવી શકે એટલી મજબૂત કાપડની થેલી સરળતાથી મળી શકશે. પરંતુ હકીકતમાં પ્રારંભે જ મશીન ખાલી હોવાને કારણે નાગરિકોમાં અસંતુષ્ટી ફેલાઈ છે. એક નાગરિકનું કહેવુ હતું કે, “પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે આવી પહેલ સરાહનીય છે, પરંતુ જો મશીનોમાં થેલીઓ જ ન મૂકી હોય તો લોકો સાથે છેતરપિંડી જેવું લાગે છે.”
કુલ મળીને, જે પહેલ વડોદરાને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે આશાપ્રદ ગણાઈ રહી હતી, તે પહેલ જ દિવસે કાગળ પર જ સીમિત રહી જતા નાગરિકોમાં નિરાશા છવાઈ છે. હવે જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા આ ખામી ક્યારે દૂર કરવામાં આવે છે અને વાસ્તવમાં મશીનો મારફતે લોકો સુધી કાપડની થેલીઓ પહોંચે છે કે નહીં.

Most Popular

To Top