રોડ-પાણી અને સ્ટ્રીટ લાઈટની સુવિધા આપોની માંગ સાથે ઉગ્ર સૂત્રોચાર કરી વિરોધ
આગામી લોકસભા ચૂંટણી પૂર્વે વિકાસથી વંચિત રહેલા લોકો હવે રોષે ભરાયા છે. ત્યારે રોડ પાણી અને સ્ટ્રીટ લાઈટની સુવિધાથી વંચિત ન્યુ માંજલપુર વડસર વિસ્તારની ત્રણથી વધુ સોસાયટીઓના રહીશોએ એકત્ર થઈ ઉગ્ર સૂત્રોચાર પોકારી વિરોધ નોંધાવ્યો હતો. સાથે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આગામી લોકસભા ચૂંટણી તારીખ જાહેર થઈ ગઈ છે ત્યારે હવે ચૂંટણી બહિષ્કારનો દોર શરૂ થયો છે. વડોદરાના ન્યુ માંજલપુર વડસર વિસ્તારમાં આવેલી સંસ્કૃતિ રેસિડન્સિ ,જય અંબે સોસાયટી તથા મુદ્રા હાઇટ્સમાં છેલ્લા 10 વર્ષથી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. બહાર મેન રોડથી અંદર મુદ્રા હાઇટ્સ સુધી પાકો ડામર રોડ નથી, પાણીની લાઇન ચાલુ કરી પણ પાણી અને સ્ટ્રીટ લાઇટ પણ નથી. આ સમસ્યાની રજૂઆત અત્યાર સુધીમાં અનેકો વખત કોર્પોરેટર , ધારાસભ્ય મેયર તથા મ્યુ.કમિશનરને કરવામાં આવી હોવા છતાં કામ થતું નથી. જેથી ના છૂટકે રવિવારે સ્થાનિક રહીશો વિફર્યા હતા. અને ઉગ્ર સૂત્રોચાર સાથે નારાજગી દર્શાવી હતી. જો સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
સ્થાનિક અગ્રણી મહેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ત્રણ સોસાયટીઓના 1500 થી 2000 પરિવારો રહે છે.વારંવાર રજુઆત કોર્પોરેશન કોર્પોરેટરને પણ કરી છે. તેમ છતાં કોઈ કામ કરતું નથી. ત્યારબાદ 25 જૂન 2022ના રોજ ધારાસભ્ય સીમાબેન મોહિલેને લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યાર બાદ 8 જૂનના રોજ પણ રનિંગ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈને પણ રજૂઆત કરી હતી કે અમને રોડ પાણી અને લાઇટની સુવિધા આપો, રાત્રી દરમિયાન અંધારું હોય છે રસ્તા નથી યોગ્ય અને ખાડા છે. કોઈ ઉંમર લાયક વ્યક્તિ વાહન લઈને જાય તો એને અહીં કમરમાં મણકા તૂટી જવાની પણ સંભાવના રાબેલી છે. અગાઉ અમે કોન્ટ્રાક્ટરની નિમણુંક કરવા માટે અમે કોર્પોરેશનમાં પાણીના પૈસા પણ ભરી દીધા છે. પણ કોઈ કાર્યવાહી થઈ નથી. પરિણામ શૂન્ય છે. જાણે અમે પાકિસ્તાનથી આવ્યા હોય એવું ઓરમાયું વર્તન રાખેલું છે. ડબલ ટ્રેક રોડ આગળ કરેલો નથી અને અડધો રોડ છોડી દીધો છે. અમારી માંગણી એકજ છે કે અમને રોડ પાણી અને લાઈટ આપો, માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું. જ્યારે અન્ય સ્થાનિક મહિલા ભાવનાબેન ઠક્કરે જણાવ્યું હતું કે અમે રજૂઆત કરી કંટાળી ગયા છે. ના છૂટકે હવે અમારે હવે રસ્તા પર આવવું પડ્યું છે. રોડ પાણી અને લાઈટની સુવિધા નથી મળતી, કોઈ સાંભળતું નથી માટે અમે મુદ્રા હાઈટ્સના તમામ સભ્યો આ વખતની ચૂંટણીમાં મતદાન નહીં કરીએ.