શહેરમાં રંગીન લાઇટિંગ, સેનાની વીરતા દર્શાવતા કટઆઉટ અને દેશભક્તિથી ભરપૂર માહોલ; સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત, લોકોમાં ઉત્સાહની લહેર
વડોદરા,: પીએમ મોદીના વડોદરા રોડ શોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી 26 મેના રોજ ગુજરાત આવી રહ્યા છે, જેમાં તેઓ સવારે 10 વાગ્યે વડોદરામાં ભવ્ય રોડ શો કરશે. શહેરમાં રોડ શોની તૈયારીઓ આખરી તબક્કામાં છે—રસ્તાઓને રંગી-સજાવી, લાઇટિંગથી વડોદરા ઝગમગી રહ્યું છે, અને સેનાના શૌર્ય દર્શાવતા બ્રહ્મોસ મિસાઈલ જેવા કટઆઉટ અને પોસ્ટર ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

આ રોડ શોમાં દેશભક્તિ અને સેનાની વીરતાને ઉજાગર કરવા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. વડોદરામાં પીએમ મોદીના સ્વાગત માટે હજારો લોકો અને 17 દેશોના વિદ્યાર્થીઓ પણ જોડાશે. સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, અને સુરક્ષા વ્યવસ્થામાં પણ ચુસ્તતા રાખવામાં આવી છે.

ડેપ્યુટી કમિશ્નર ગંગા સિંહે વોર્ડ ઓફિસર સાથે સમીક્ષા બેઠક યોજી, તમામ વિભાગોને જવાબદારી સોંપાઈ

આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કર્મભૂમિ વડોદરામાં આગમન કરવા જઈ રહ્યા છે, જેમાં ‘સિંદુર સન્માન યાત્રા’નું વિશેષ આયોજન કરાયું છે. આ યાત્રાની સફળતા અને વ્યવસ્થાની જવાબદારી વડોદરા મહાનગરપાલિકા પર સોંપવામાં આવી છે. ડેપ્યુટી કમિશ્નર ગંગા સિંહે વોર્ડ ઓફિસર સ્તરના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી, જેમાં યાત્રા દરમિયાન ટ્રાફિક, સફાઈ, પાણી, આરોગ્ય સહિતની તમામ વ્યવસ્થાઓ સુચિત અને સુચારુ રીતે પાર પાડવા માટે સૂચનાઓ આપી. પાલિકા દ્વારા દરેક વિભાગને તેમની જવાબદારીઓ સ્પષ્ટ રીતે વહેંચી દેવાઈ છે, જેથી કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની અડચણ ન આવે.