વોર્ડ નં. 18 અને 13માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી; 35 વર્ષથી રહેતા શ્રમિકોના ઝૂંપડા તૂટતા ભારે રોષ, રોડ રસ્તા ખુલ્લા કરાયા




વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના માર્ગોને ટ્રાફિકમુક્ત કરવા અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે બુધવારે શહેરના દક્ષિણ વિસ્તારમાં વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નં. 18ના માંજલપુર અને વોર્ડ નં. 13ના લાલબાગ વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કાચા-પાકા દબાણો, લારી-ગલ્લા અને ઝૂંપડાઓ દૂર કરી રોડ ખુલ્લા કર્યા હતા.
બુધવારે સવારથી જ પાલિકાની દબાણ શાખાની ટીમ કાફલા સાથે માંજલપુર અલવાનાકાથી જી.આઈ.ડી.સી. રોડ પર ત્રાટકી હતી. અહીં આશરે બે કિલોમીટરના વિસ્તારમાં વર્ષોથી જામી ગયેલા કાચા-પાકા દબાણો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. આ કામગીરી દ્વારા ફૂટપાથ અને રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિકોના ટોળા એકઠા થયા હતા અને કેટલાકે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે પરિસ્થિતિ સંભાળી લીધી હતી.
બીજી તરફ, વોર્ડ નં. 13માં લાલબાગ ઓવરબ્રિજ નીચે ફૂટપાથ પર અડિંગો જમાવીને બેઠેલા વેપારીઓ અને શ્રમિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં ભંગારના ઢગલા ખડકી દેવાયા હોવાથી અને કાચા ટેન્ટ બનાવીને કપડાનો વ્યવસાય થતો હોવાની ફરિયાદો ઉઠી હતી. દબાણ શાખાએ એસ.આર.પી. અને સ્થાનિક પોલીસની મદદથી આ તમામ દબાણો દૂર કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.
દબાણ હટાવવાની ઝુંબેશ અંગે પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, “શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતો નિવારવા આ કામગીરી અનિવાર્ય છે. થોડા સમય અગાઉ અવધૂત ફાટક પાસે ફૂટપાથ પર સૂતેલા લોકો પર કાર ચડી જવાની જે દુર્ઘટના બની હતી, તેવી ઘટના ફરી ન બને અને કોઈ નિર્દોષનો જીવ ન જાય તે હેતુથી આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ કડક કાર્યવાહી ચાલુ રહેશે.”
પીડિતોનો આક્રોશ: ‘પાવતી ફાડી છતાં રોજીરોટી છીનવી લીધી’
માંજલપુર વિસ્તારમાં જે લોકોના દબાણ દૂર કરાયા તેઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે, “અમે છેલ્લા 35 વર્ષથી અહીં રહીએ છીએ. પાલિકાએ અચાનક આવીને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર અમારા ઝૂંપડા તોડી નાખ્યા. અમે હમણાં જ 3000 રૂપિયા ભર્યા છે અને અગાઉ પણ હજારો રૂપિયા આપ્યા છે. નાના બાળકોને લઈને હવે અમે ક્યાં જઈએ?”
એક વેપારીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “કાયદેસરની 3000ની પાવતી ઉપરાંત 7000 રોકડા એમ કુલ 10,000 રૂપિયા આપ્યા હોવા છતાં અમારી રોજગારી છીનવી લેવામાં આવી છે. જો અગાઉ જાણ કરી હોત તો અમે જાતે સામાન હટાવી લીધો હોત, જેનાથી નુકસાન બચી શક્યું હોત.”
હપ્તાખોરી અને રાજકીય રહેમનજરના આક્ષેપો
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક રહીશોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, પાલિકાના અધિકારીઓ અને સ્થાનિક કાઉન્સિલરોની મિલીભગતને કારણે જ શહેરમાં ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે. લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ચોક્કસ ‘હપ્તા પદ્ધતિ’ ચાલી રહી છે, જેના કારણે દબાણ કરનારાઓને પ્રોત્સાહન મળે છે. એકવાર દબાણ દૂર થાય પછી થોડા જ દિવસોમાં ફરી ત્યાં જ વેપારીઓ અડિંગો જમાવી લે છે. ભ્રષ્ટ અધિકારીઓ અને મેળાપીપણું રાખતા કાઉન્સિલરોને કારણે વડોદરા શહેરની ટ્રાફિક અને સ્વચ્છતાની સ્થિતિ કથળી રહી હોવાનો સૂર લોકોમાં જોવા મળ્યો હતો.