Vadodara

વડોદરામાં પાલિકાની ‘ખાડા’ નીતિ: એન્જિનિયરોની લાપરવાહીમાં રાજમહેલ રોડ પર ટ્રક ગરકાવ!​

સમારકામ બાદ ખાડો ખુલ્લો છોડી દેતા સર્જાઈ દુર્ઘટના; કાઉન્સિલરનો આક્ષેપ- “સાહેબો ફોન પણ ઉપાડતા નથી.”

વડોદરા : શહેરમાં કોન્ટ્રાક્ટરો અને પાલિકાના અધિકારીઓની લાપરવાહીના કારણે માર્ગો પર ખાડા પડવાની અને વાહનો ફસાવવાની ઘટનાઓ હવે સામાન્ય બની રહી છે. આજે શહેરના વ્યસ્ત ગણાતા રાજમહેલ રોડ પર ખાડિયા પોળ પાસે પાલિકાના એન્જિનિયરોની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં પાણીની લાઈનના સમારકામ બાદ યોગ્ય પુરાણ ન કરાતા એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી.

મળતી વિગત મુજબ, રાજમહેલ રોડ પર ખાડિયા પોળ પાસે છેલ્લા છ-સાત દિવસથી પાણીની પાઈપલાઈનમાં લીકેજની સમસ્યા હતી. સ્થાનિકો અને કાઉન્સિલર દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવ્યા બાદ ગત 3 તારીખે રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ ખાડામાં યોગ્ય રીતે મટીરીયલ નાખી તેને સરખો કરવામાં આવ્યો નહોતો. જેના પરિણામે આજે ત્યાંથી પસાર થઈ રહેલી એક ટ્રક ખાડામાં ખુંપી ગઈ હતી.

આ ઘટના અંગે સ્થાનિક કાઉન્સિલર જાગૃતિ કાકાએ સ્થળ પર પહોંચી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “અહીં છેલ્લા ઘણા દિવસોથી લાઈન લીકેજ હતી. અધિકારીઓને જાણ કરવા છતાં તેમણે ધ્યાન આપ્યું નહીં. જો કામગીરી બાદ તરત જ પુરાણ કરી દેવાયું હોત તો આજે આ ટ્રક ફસાઈ ના હોત. આ વિસ્તારમાં હાલ સામાજિક પ્રસંગો ચાલી રહ્યા છે, ત્યારે એન્જિનિયરોની ભૂલના કારણે લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે આ બાબતે એન્જિનિયરને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન રિસીવ કરવાની પણ તસ્દી લીધી નહોતી.
માત્ર રાજમહેલ રોડ જ નહીં, પરંતુ ખાંડેરાવ માર્કેટ પાછળ આવેલી હાથીપોળ અને નવાપુરા વિસ્તારમાં પણ તંત્રની આવી જ બેદરકારી જોવા મળી રહી છે. હાથીપોળમાં 5 તારીખથી પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હોવા છતાં આજ દિન સુધી લાઈન ચાલુ કરવામાં આવી નથી, જેના કારણે રહેવાસીઓ પાણી માટે વલખાં મારી રહ્યા છે. નવાપુરામાં પણ લાઈન કટ કર્યા બાદ કોઈ બેરિકેડિંગ ન હોવાથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.

પાલિકાના વહીવટી તંત્રની આ ઢીલી નીતિ અને એન્જિનિયરોની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે જવાબદાર કર્મચારીઓ સામે કોઈ પગલાં ભરે છે કે કેમ.

Most Popular

To Top