10 દિવસમાં આ ટાંકી પરથી વિતરણ થાય તેવી સૂચના
વડોદરા : વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના સભ્યો ગુરુવારે બેઠક પતાવી તરત જ જેલ રોડ ટાંકી ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી ઝડપથી લોકોને પાણી મળી શકે તે માટેની સૂચનાઓ આપવામાં આવી હતી.
શહેરમાં એક તરફ પાણીની સમસ્યા વિકટ બની રહી છે ત્યારે વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર 13 ને પાણી મળી શકે તે માટે જેલ રોડ ટાંકી હવે સંપૂર્ણપણે સજજ બની છે. ગુરુવારે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક પતાવ્યા બાદ તુરંત જ સ્થાયી સમિતિના સભ્યો જેલ રોડ ટાંકી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં નિરીક્ષણ કર્યું હતું. કોન્ટ્રાક્ટર સાથેની વાતચીત બાદ આ ટાંકી ખાતેથી દસ દિવસમાં પાણીનું વિતરણ થઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સ્થાયી સમિતિના સભ્ય બંદિશ શાહે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં શહેરને પૂરતું પાણી મળી રહે તે માટેનું આયોજન છે આ ટાંકી પરથી દસ દિવસમાં જ લોકોને પાણી મળવા માંડશે અને જેથી ઘણા અંશે રાહત થશે. ટાંકીમાંથી પાણી મળવાના કારણે પૂરતા દબાણ સાથે પાણી મળી રહેશે.