રૂ.3.50 કરોડના અંદાજિત ખર્ચ સામે રાજેશ સચદેવનો 14.51% ઓછી કિમતે ઇજારો મંજૂર કરવા દરખાસ્ત રજૂ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠાની સમસ્યાઓ જેમ કે લાઈન બ્રેકડાઉન, વાલ્વ ખામી, લો પ્રેશર અને કોન્ટામિનેશન જેવી સ્થિતિઓના નિવારણ માટે ટૂંકા ગાળાના પગલાં રૂપે ટેન્કરો મારફતે પાણી વિતરણ કરવામાં આવે છે. આવા સંજોગોમાં સ્થાનિકો તથા સભાસદોની રજૂઆતને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે છે. હાલમાં ચાર ઝોનમાં વિતરણ શાખાને ફાળવેલા ટેન્કરો પૂરતા ન પડતાં, વધતી માંગને પહોંચી વળવા માટે ખાનગી ટેન્કરો ભાડે લેવા માટે વાર્ષિક ઈજારો કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલ ચાલતા ઇજારાની નાણાકીય મર્યાદા રૂ.1.50 કરોડ તા.6 એપ્રિલ, 2025 સુધી પૂરતી હોવાનું જણાવાયું છે. તેથી આગામી સમયગાળામાં પાણી પુરવઠામાં વિક્ષેપ ન થાય તે હેતુસર નવીન ઇજારો પ્રક્રિયા અનિવાર્ય બની છે.
તાજેતરમાં બીજા પ્રયાસે ઈ-ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ માત્ર એક જ ઈજારદાર મે. રાજેશ સચદેવ દ્વારા ભાવપત્રક આપવામાં આવ્યું હતું. તેમણે 4000 લીટર ક્ષમતા ધરાવતા ટેન્કર માટે પ્રતિ ફેરા રૂ.388/-ના ભાવે દર રજૂ કર્યો હતો, જે ખાતાના અંદાજિત રૂ.455/- કરતાં 14.51% ઓછો છે. આ દર પ્રાઈઝ-બિડ તા.20 માર્ચ, 2025ના રોજ ખુલ્યો હતો અને તે પછીના પગલાંરૂપે ટેન્ડર સ્ક્રુટીની કમિટીએ આ દરને યોગ્ય ગણાવી, સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવાની ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે ઉનાળાની ઋતુમાં પાણીની માંગ વધે છે ત્યારે લીકેજ અને કોન્ટામિનેશન જેવી ઘટનાઓ વધારે બને છે. આવી સ્થિતિમાં વોટર ટેન્કરની ઉપલબ્ધતા સુનિશ્ચિત રાખવી અત્યંત જરૂરી બની જાય છે. આ નવા ઇજારાને તા.7 એપ્રિલ, 2025થી લાગુ ગણવા અને સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી ન મળે ત્યાં સુધી તત્કાલ અસરથી નવા દરે સેવા ચાલુ રાખવાની પણ વિનંતી કરવામાં આવી છે. જો કે બીજા પ્રયાસે રજૂ થયેલ આ ટેન્ડર આજે સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરાય છે કે કેમ તે જોવાનું રહેશે.
