10થી 15 ફૂટ ઊંચો પીવાના પાણીનો ફૂવારો ઉડ્યો
વડોદરા શહેરના આજવા રોડ પર પીવાના પાણીનો વેડફાટ થતા સ્થાનિક કાઉન્સિલર પ્રફુલાબેન જેઠવાના પતિએ ખાડામાં ઉતરી પીવાના પાણીની લાઈન બંધ કરી હતી
વડોદરા શહેરના આજવા રોડ પર લેપ્રેસી ગ્રાઉન્ડની બાજુમાં આવેલી ગલીમાં પીવાના પાણીનો વેડફાટ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે લગભગ 10 થી 15 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉડતો જોવા મળ્યો હતો આ ફુવારાના પાણીમાં નાના બાળકો ગરમીમાં પાણીનો આણંદ માણતા નજરે પડ્યા હતા. કલાકો સુધી આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે એક જાગૃત નાગરિકે સ્થાનિક કાઉન્સિલરનું ધ્યાન દોર્યું હતું ત્યારે કાઉન્સિલર તેમના પતિ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. એમના પતિએ ખાડામાં ઉતરી પીવાના પાણીના લાઈનમાં ઉડતા ફુવારા ને બંધ કર્યો હતો.
સ્થાનિક કાઉન્સિલર નું કહેવું છે પાલિકામાં અધિકારીને ફોન કર્યો તેમ છતાં અધિકારીઓ આવ્યા ન હતા ત્યારે મારા પતિએ પાણીનો વેડફાટ ના થાય તે માટે તેઓ ખાડામાં ઉતરી ફુવારા ને બંધ કર્યો હતો.

સ્થાનિક કાઉન્સિલર પ્રફુલાબેન જણાવ્યું હું પાણીના ફુવારા પાસે પહોંચી તે પહેલા એક કલાકથી પાણી લીકેજ થાય છે અને અધિકારીઓને ફોન પર જણાવ્યું પરંતુ બે અઢી કલાક પછી અધિકારીઓ આવ્યા ત્યાં સુધીમાં મારા પતિએ ખાડામાં ઉતરીને પાણીના લીકેજને બંધ કર્યું હતું .
લોકોમાં ચર્ચા સાથે અનેક સવાલ થાય છે કે પંદર દિવસ અગાઉ ડ્રેનેજ અને પાણી મુદ્દે પ્રફુલાબેનના પતિએ અધિકારીને સ્થળ પર લાફો માર્યો હતો અને ત્યારબાદ અધિકારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા ત્યારે લોકોનું એવું કહેવું છે કે અધિકારી સ્થાનિક કાઉન્સિલર સામે એટલા માટે નથી આવતા કે સ્થાનિક કાઉન્સિલરના પતિ ગમે ત્યારે હાથાપાઈ પર ઉતરી જાય છે.તો શું અધિકારીઓમાં હજી પણ ડરનો માહોલ છે?
બીજી તરફ આસિસ્ટન્ટ એન્જિનિયર સુનિલભાઈએ જણાવ્યું હતું કે આ લીકેજ જ ન હતું પ્રેશર ચેક કરવા માટે અમારા દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. બે દિવસથી કામ ચાલી રહ્યું હતું અને કેટલા પ્રેશરથી પાણી આગળ વધી રહ્યું છે કે વધશે અને વિસ્તારને પૂરતું પાણી મળી રહે તે હેતુથી આ એક ચેકિંગ કરવાની પ્રક્રિયા હતી, આ લીકેજ ના કહેવાય જ્યારે નવી લાઈન નાખવામાં આવે ત્યાં પ્રેશર ચેક કરવું જ પડે આ એનો એક ભાગ હતો.
