- એક મહિનાથી પૂરતા પ્રમાણમાં પાણી નહિ મળતા પ્રજા પરેશાન
- શહેરીજનો ઉપર બેવડો માર પાણી વેરો પણ ભરવાનો અને પાણી વેચાતું લેવાનું
વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણી માટેનો કકળાટ શરુ થઇ ગયો છે. અગાઉ પૂર્વ વિસ્તારમાં પાણીની મોકાણ શરુ થઇ હતી તે પુરી નથી થઇ ત્યાં હવે છાણી ટીપી 13 વિસ્તારમાં પાણીં માટેનો પોકાર શરુ થઇ ગયો છે.
વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી પાણી માટેની પોકાર શરુ થઇ ગઈ છે. ઉનાળાની શરૂઆત સાથે જ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. રાયકા દોડકા ખાતે સમારકામ પૂર્ણ થયા બાદ પૂર્વ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર સોરઠિયાના પાપે બે દિવસ સુધી લોકોએ તરસ્યા રહેવું પડ્યું તો હવે છાણી ટીપી 13 ના રહીશો દ્વારા પાણી માટેની પોકાર કરવામાં આવી છે. આ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પૂરતા દબાણ સાથે પાણી નથી આવી રહ્યું અને તેના કારણે લોકો પરેશાન થઇ ઉઠ્યા છે. વિસ્તારની મહિલાઓ દ્વારા પાલિકાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને જણાવ્યું હતું કે એક તરફ આપણી વેરો પણ ભરવાનો અને બીજી તરફ પાણી વેચાતું લાવવાનું? આ કેવું તંત્ર છે. પાણી પણ પૂરતું આપી શકવાની ત્રેવડ નેતાઓમાં નથી તો માટે માગવા શું કામ આવે છે તેવો પણ આક્ષેપ લોકોએ કર્યો હતો. મહિલાઓ પાણીના બેડા લઈને બહાર નીકળી પડી હતી અને પાણી આપો પાણી આપોની માગ કરી હતી.