ક્રિમિનિલ હિસ્ટ્રી ધરાવતા શખ્સો વિરુદ્ધ પોલીસનો ઇફેક્ટિવ એક્શન પ્લાન
પ્રતિનિધિ વડોદરા તા.17
ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી વડોદરા શહેરમાં પણ વિવિધ પ્રકારના ગુનામાં સંડોવાયેલા માથાભારે તથા વારંવાર ગુનાને અંજામ આપનરની યાદી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. જેમાં મિલકત, શરીર સંબંધી અને સાયબર ક્રાઇમ સહિતના ગુનાઓ સાથે સંડોવાયેલા ગુનેગારોની યાદી બનાવવામાં આવી રહી છે. ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા શખ્સો વિરુદ્ધ ઇફેક્ટિવ એક્શન પ્લાન તૈયાર કરાય રહ્યો છે. છેલ્લા બે મહિનામાં 75 જેટલા લોકોની પાસા હેઠળ અટકાયત કરાઇ છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં જુદા જુદા વિસ્તારમાં બનેલી કેટલીક ક્રાઇમની ઘટનાઓને લઇને રાજ્યમાં એક એક્સસાઇઝ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વડોદરા શહેરમાં પણ મિલકતને લગતા તેમજ શરીર સંબંધી ગુનાઓમાં જે લોકો સંડોવાલેયા હોય છે અને જે લાંબા સમયથી ક્રિમિનલ એકિટવિટી દ્વારા ગેરકાયદે મિલકત વસાવી હોય છે અને સરકારી તેમજ ખાનગી જમીનો પર ગેરકાયદે દબાણ ખડકી દેવામાં આવ્યા છે. આવા ગુનાઇત ભૂતકાળ ધરાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટેની સૂચના મળી છે. જેના અંતર્ગત વડોદરામાં વારંવાર ગુના આચરતા, પ્રોપર્ટીને લગતા ગુના, શરીર સંબંધી ગુનાઓ અને સાયબર ગુનાઓ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોની યાદી પણ તૈયાર કરાઇ રહી છે. ક્રિમિનલ ઇન્ટેલિજન્સના માધ્યમથી તેમના હાલની એક્ટિવિટી અને જંગમ અને સ્થાવર મિલકતોની પણ ડિટેઇલમાં તપાસ કરાઇ રહી છે. ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા ઇફેક્ટિવ એક્શન પ્લાન પણ અમલમાં મુકવામાં આવી રહ્યો છે. અગાઉ પોલીસ દ્વારા 275 શખ્સોની યાદી બનાવાઇ હતી.ગુનાઇત હિસ્ટ્રી ધરાવતા આરોપીઓનો ડેટા તૈયાર કરી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં 75 જેટલા લોકોની પાસા હેઠળ અટકાત કરાઇ છે.
