ડામર પીગળવાની શરૂઆત થતાં વાહન ચાલકોમાં રોષ
આખરે પાલિકા વિકાસના નામે કેમ ભ્રષ્ટાચારનો રોડ પાથરી રહી છે?

શહેરમાં તાજેતરમાં બનેલા રસ્તાઓના ગાળિયા પહેલેથી જ ઊઘડી રહ્યા છે. વડોદરામાં દિવાળીપુરા વિસ્તારમાં નવા નિર્માણ પામેલા કોર્ટ પાસેના માર્ગ પર ઉનાળાની શરૂઆત પહેલાં જ ડામર પીગળવા લાગ્યું છે, જેનાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્લાય ઓવર બ્રીજની નીચે સિગ્નલ પર ડામર પીગળવાની શરૂઆત થતાં વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ કરોડોના ખર્ચે બનેલા રોડ પર ડામર પીગળવાની શરૂઆત થતાં અનેક સવાલો થઈ રહ્યા છે. હેવમોર ફ્લાય ઓવર ઉપરાંત વોર્ડ નંબર 11ની કચેરી આગળ ઇસ્કોન સર્કલ પાસે પણ આવો જ નજારો જોવા મળ્યો છે. ટ્રાફિક સિગ્નલ પર વાહનો ઉભા રહે ત્યારે રોડ પરની ગરમી અને પીગળેલા ડામરના પ્રભાવને કારણે મુશ્કેલી ઊભી થઈ રહી છે. આ ઘટના પાલિકાની ઇજનેરિંગ ડિવિઝન પર ગંભીર પ્રશ્નો ઉઠાવે છે કે શા માટે નવા બનાવેલા રોડ માત્ર થોડા સમયમાં જ દૂષિત થવા લાગ્યા ?

શહેરમાં રોજની જરૂરિયાત તરીકે લાખો-કરોડો રૂપિયાના વિકાસકાર્યો પાલિકા દ્વારા હાથ ધરવામાં આવે છે, પરંતુ તેનું કામ કેટલું ટકાઉ અને ગુણવત્તાયુક્ત છે તે જોવાની કોઈ વ્યવસ્થા ન હોય તેવું પ્રતીત થાય રહ્યું છે. પાલિકા દ્વારા ઠરાવેલ કોન્ટ્રાક્ટરોને યોગ્ય દેખરેખ વિના કામ સોંપી દેવામાં આવે છે, અને ભવિષ્યમાં જ્યારે રસ્તાઓ બગડે, ત્યારે માત્ર રિપેરિંગ કરી દેવાય છે પણ કાર્યવાહી થતી નથી. જો પ્રજાના પૈસાથી બનતા રોડ અને અન્ય વિકાસ કામોમાં આટલી મોટી અનિયમિતતા જોવા મળે, તો એ સ્પષ્ટ થાય છે કે પાલિકા વિકાસના નામે ભ્રષ્ટાચારને આકાર આપી રહી છે
રોલિંગ-વોટરિંગ વિના કામ થવાને લઈ સ્થાનિકોમાં અસંતોષ
હેવમોરથી દિવાળીપુરા સુધીના રોડનું તાજેતરમાં જ નિર્માણ થયું હતું, પણ હવે ત્યાં ફરી પેવર બ્લોક નાખવાના કામની શરૂઆત થઈ છે. સાથે જ પાલિકા દ્વારા રોડને વધુ પહોળો બનાવવાની સાથે ફૂટપાથ નાની કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, રસ્તાના ગુણવત્તાયુક્ત નિર્માણ માટે જરૂરી GSB અને મેટલ પર રોલિંગ કે વોટરિંગ ન કરાતું હોવાની ચર્ચા ચાલી રહી છે. સ્થાનિકોમાં થઈ રહેલી ચર્ચા અનુસાર, રોડ નિર્માણ દરમિયાન પાલિકાના કોઈ ઇજનેર ત્યાં દેખાતા નથી. જો યોગ્ય રોલિંગ અને વોટરિંગ કરવામાં નહીં આવે તો ચોમાસામાં આ રોડ બેસી જશે, અને ફરીથી તેના રિપેરિંગ માટે નાગરિકોના કરોડો રૂપિયા ખર્ચાશે.
