મોબાઇલ ચોરી બાદ ચોખંડી વિસ્તારમાં સાયકલ ચોરને દબોચી લેવાયો
વડોદરા શહેરના છાણી વિસ્તારમાંથી લોકોની નજર ચૂકવી 10 મોબાઇલની ચોરી કરનાર ઝડપ્યા બાદ હવે ટ્યુશન ક્લાસીસ બહાર મુકેલી વિદ્યાર્થીઓની 15 સાયકલોની ચોરી કરનાર રીઢા ચોરને ક્રાઇમ બ્રાન્ચે ચોખંડી વિસ્તારમાંથી દબોચી લીધો હતો. તેની પાસેથી 15 સાયકલ મળી 44 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
તાજેતરમાં જ છાણી વિસ્તારમાં લોકોની નજર ચૂકવી મોબાઇલની ચોરી કરનાર તસ્કરને પોલીસ ઝડપી પાડતા 10 મોબાઇલ ચોરીની ભેદ ઉકેલ્યો હતો. ત્યારે હવે શહેરમાંથી સાયકલને દબોચી લેવાયો છે. છેલ્લા કેટલાક સમયથી ટ્યુશન ક્લાસીસમાં આવતા વિદ્યાર્થીઓની સાયકલોની ચોરી પોલીસ ચોપડે નોંધાઇ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે અગાઉ સાયકલ ચોરીના ગુનાનો આરોપી શ્રીકાંત ઉર્ફે ગુંગો છોટેલાલ સરોજ (રહે, ગાજરાવાડી , ઇદગાહ મેદાન સામે વડોદરા) સ્પોર્ટ્સ સાયકલ સાથે ચોખંડી રોડ પર ઉભો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી તેને સાયકલ સાથે દબોચી લીધો હતો. જેથી તેની પાસે સાયકલના પુરાવાની માગણી કરતા ન હતા અને આ સાયકલ સમા વિસ્તારમાં ચોરી કરી હોવાનુ જણાવ્યું હતું. ઉપરાંત તેણે છેલ્લા 15 મહિનામાં 14 જેટલી સાયકલોની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી હતી. જેથી તેની પાસેથી 15 સાયકલ મળી 44 હજારનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ચોરી સમાની હોય આગળની કાર્યવાહી માટે સમા પોલીસને સુપ્રત કરાયો છે, ઉલ્લેખનીય છે કે આરોપી શ્રીકાંત ઉર્ફે ગુંગો વર્ષ 2015થી સાયકલ ચોરીઓ કરતો રહે છે. તેની સામે સાયકલ ચોરીના 25 સહિત 28 ગુના શહેરમાં નોંધાયેલા છે.